શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૪૮ પોઇન્ટ ઘટીને ૩૯૫૦૨ની નીચી સપાટીએ રહ્યો હતો. એસબીઆઈ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. માત્ર નવ શેરમાં તેજી રહી હતી જ્યારે બાકીના ૨૩ શેરમાં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટી ૧૧૮૬૧ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં એકમાત્ર નિફ્ટી આઈટીમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલમાં ૧.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૨૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૦૦૧ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૮૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૩૪ રહી હતી. અદાણી ગેસના શેરમાં જોરદાર તેજીનો માહોલ જામ્યો હતો તેમાં ૨.૬ ટકાનો ઉછાળો નોંધાતા પહેલા એક વખતે તેના શેરની કિંમત ૧૭૪ સુધી પહોંચી હતી. મે સિરિઝના એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ પહેલા બેંક, ઓટો, મેટલના શેરમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. અદાણી ગેસના શેરમાં ઉલ્લેખનીય તેજીનો માહોલ જામ્યો હતો. બીજી બાજુ જુબીલન્ટ લાઈફ સાયન્સના શેરમાં ૩૩ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. છેલ્લા નવ કારોબારી સેશનમાં આ શેરમાં ૧૯ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. ૨૯મી ઓગસ્ટ બાદથી તેની સૌથી નીચી સપાટી જોવા મળી છે. શેરબજારમાં ગઇકાલે બીએસઈ સેંસેક્સ ૬૬ પોઇન્ટ ઉછળીને ૩૯૭૫૦ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર ઇન્ડેક્સ નિફ્ટીમાં ચાર પોઇન્ટનો નજીવો સુધારો થતાં તેની સપાટી ૧૧૯૨૯ રહી હતી. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે. છેલ્લા એક સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં ચાર ટકાનો વધારો થઇ ચુક્યો છે જે ૨૦૧૯માં હજુ સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નિફ્ટી ૧૨૫૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે. આના માટે પણ મોદીના નેતૃત્વમાં ગઠબંધન સરકારની પ્રચંડ બહુમતિને જવાબદાર ગણવામાં આવે છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટમાં ઇક્વિટી હેડનું કહેવું છે કે, એનડીએ સરકારની આ શાનદાર જીતથી તેજીનો માહોલ રહી શકે છે.