વડાપ્રધાનનાં ડ્રિમ પ્રોજેકટ એવા દેશના પ્રથમ ટ્રાયબલ મ્યુઝિયમની જગ્યામાંથી ૫.૭૫ લાખ મેટ્રિક ટન માટી ચોરી થઈ ગઈ અને તેમાં પણ જિલ્લા વહીવટીતંત્રની મિલીભગત સામે આવી છે. નેતાઓ,રોડ કોન્ટ્રકટર કંપની અને ઉચ્ચ અધિકારીઓએ મિલે સુર મેરા તુમારાનાં નાતે કૌભાંડ આચર્યાના આરોપ સાથેની એક અરજી ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.
નર્મદા જિલ્લાનાં માટીભૂખ્યાં નેતા અને અધિકારીઓએ નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન સમાન ટ્રાયબલ મ્યુઝિયમમાંથી ૭.૧૩ કરોડની કિંમતની ૪.૭૫ લાખ મેટ્રિક ટન માટી ચોરી ગયાની અરજીથી નર્મદા જિલ્લામાં ભૂમાફિયાઓમાં દોઢડહામ મચી છે. આશ્ચર્યની વાત તો એ છે કે છેક ગાંધીનગર માટી ચોરીની જાણ કરાતા આખરે જિલ્લા વહીવટીતંત્રએ તપાસ ચાલુ કરી.
પોલીસને કરવામાં આવેલી અરજીમાં જણાવવવામાં આવ્યું કે આ માટી બીજે ક્યાંય નહીં પણ ૨૦૧૮માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફોર લેન રોડ બનાવવા માટે વપરાઈ છે. તે બદલ એ રોડ કંપનીએ આ નેતાઓ અને અધિકારીઓને કરોડો રૂપિયા ચૂકવી દીધા છે. સર્વે નંબર ૨૩૫/૧/બ પૈકીની ૧ લાખ ચોરસ મીટર જમીનમાંથી લાખો મેટ્રિક ટન માટી ચોરાઈ હોવાનું આ અરજીમાં ઉલ્લેખ છે ત્યારે નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાએ પણ આ કૌભાંડમાં સીબીઆઇ તાપસની માગ કરી છે.