ગાંધીનગર નજીક ચિલોડા ખાતે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ૨૮ વર્ષીય યુવક અને તેના મિત્ર વચ્ચે સોમવારે રાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે ઝઘડો ચાલી રહ્યો હતો. જે બાદ સવારે યુવકની લાશ મળી આવી હતી. ચિલોડા પોલીસે હાલ મૃતકના મિત્રની ધરપકડ કરી હત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસ શરૂ કરી છે. નોંધનીય બાબતે છે કે બંને મિત્રો વચ્ચેના ઝઘડાનો અવાજ મૃતકના નાના ભાઈને આવ્યો હતો પરંતુ બંને મિત્રો કોઈ વાતે ઝઘડતા હશે તેમ માની તે જોવા પણ ગયો ન હતો.
ચિલોડામાં પંચવટી વાસમાં રહેતાં સુરેશ માંગીલા મારવાડી યુવકની લાશ મંગળવારે સવારે સાડા છ વાગ્યે ગામના રોડ પરથી મળી આવી હતી. યુવકને માથા તથા મોઢાના ભાગે વાગેલું હતું. ઘટના અંગે જાણ કરતાં ચિલોડા પોલીસે યુવકની લાશને પોસ્ટમ મોર્ટમ મોકલી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત કે મર્ડર તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
જોકે, પીએમ રિપોર્ટમાં યુવકનું મોત માથાના ભાગે ધોકા જેવા બોથડ પદાર્થ થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાના દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના નાના ભાઈએ મૃતક અને ગામમાં રહેતાં તેના મિત્ર લાલા ઈશ્વરભાઈ જાની વચ્ચે રાત્રે ઝઘડો થયો હોવાનું જણાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. મૃતકના નાનાભાઈની મુકેશ મારવાડીની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે લાલા જાની સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા માટે બંને મિત્રો વચ્ચે ઝઘડામાં ગાળાગાળી થતાં ગુસ્સે ભરાયેલા લાલાએ ધોકો મારી દેતા યુવકનું મોત થયું હતું. ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ યુ. વી. વાઘેલાએ હત્યા માટે બીજુ કોઈ કારણ તો નથી ને જાણવા તપાસ શરૂ કરી છે.