અમદાવાદ શહેર સહિત રાજયમાં વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ(એચએસઆરપી) લગાવવા માટેની અંતિમ તારીખ ૩૧ મે ના આડે હવે ત્રણ જ દિવસ બાકી છે ત્યારે ગુજરાત સરકારે વધુ ત્રણ મહિના માટે વાહનોમાં એચએસઆરપી લગાવવાની મુદ્દત લંબાવવામાં આવી છે. અત્યાર સુધી સરકારે એચએસઆરપી લગાવવાની મુદત આઠ વખત લંબાવવામાં આવી છે. પરંતુ લોકોની નિષ્ક્રિયતા અથવા તો ઉદાસીનતાને લઇ હજુ પણ અમદાવાદમાં ૧૭ લાખથી ધુ અને રાજ્યમાં દોઢ કરોડથી વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી છે. સરકાર અને આરટીઓ તંત્રના છેલ્લા ઘણા મહિનાઓથી પ્રયાસો અને અસરકારક પગલાં છતાં લોકો પોતાના વાહનોમાં સમયસર એચએસઆરપી લગાવવા ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે ત્યારે હવે લોકોએ પણ આ સમગ્ર મામલે જાગૃતતા કેળવી તાકીદે એચએસઆરપી ંનંબર પ્લેટ પોતાના વાહનોમાં લગાવી દેવડાવવી જોઇએ. આરટીઓ દ્વારા તમામ વાહનોમાં એચએસઆરપી લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
પરંતુ તેમાં ધારી સફળતા હજુ મળી નથી, જેના કારણે હજુ પણ રાજયભરમાં દોઢ કરોડથી વધુ વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી બોલે છે. જેથી સરકાર દ્વારા એચએસઆરપી લગાવવાની મુદત છેલ્લા સાત વખત લંબાવવામાં આવી હતી અને હવે એચએસઆરપી લગાવવાની છેલ્લી તારીખ ૩૧ મે હતી. જે મુદતમાં સરકારે આઠમી વખત વધારો કરી હવે વધુ ત્રણ મહિનાનો સમય લોકોને આપ્યો છે. આમ, હવે નવી મુદત પ્રમાણે તા.૩૧મી ઓગસ્ટ સુધી એચએસઆરપી નંબર પ્લેટ લગાવડાવી શકાશે. બીજીબાજુ, નાગરિકોમાં એવી પણ ફરિયાદ છે કે, એચએસઆરપી નંબર પ્લેટ માટે પૂરતાં સેન્ટર નથી અને સમય બગડે તે પ્રકારનું તંત્રનું આયોજન છે ત્યારે વધુ સરળતા અને સગવડભર્યા વિકલ્પો તંત્રએ અમલી બનાવવા જોઇએ કે જેથી લોકો એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા ઉત્સાહિત થાય.