લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયા બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિરધ પક્ષ પરેશ ધાનાણીના રાજીનામાની અટકળો વહેતી થઈ હતી. એક તબક્કે બંને નેતાઓએ રાજીનામું આપી લેવાનું મન બનાવ્યું હોવાના અહેવાલો પણ હતા. જોકે, પત્રકારો સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે, રાજીનામાનો પ્રશ્ન ઉદભવતો જ નથી. અમિત ચાવડાએ કહ્યું, “ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે અમે પ્રેસ સમક્ષ વાત કરી છે. જે પરિણામ આવ્યા ત્યારે અમને હાઇકમાન્ડે સારૂ નેતૃત્વ આપ્યું છે. અમે લોકોનું મેન્ડેટ સ્વીકારીએ છીએ. અમે પ્રદેશની આખી ટીમે હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને અમે કેન્દ્રના નેતૃત્વને અમારી લાગણી પહોંચાડી છે.”
અમિત ચાવડાએ વધુમાં કહ્યું અમે પ્રદેશ પ્રભારી અને અધ્યક્ષ રાહુલ ગાંધી પાસેથી મળવાનો સમય માગ્યો છે. અમે હારની જવાબદારી સ્વીકારી છે, અમે પ્રદેશ પ્રભારી રાહુલ ગાંધીને મળીશું.
હું પરેશ ભાઈ અને રાજીવ સાતવ ચર્ચા કરી અને રાહુલ ગાંધીને મળીશું અને આખી પ્રક્રિયા અને ચૂંટણી વિશે ચર્ચા કરીશું.આ ઉપરાંત અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરમાં નૈતિકતા હોય તો તેણે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું જોઈએ.
કોંગ્રેસના ધારાસભ્ય અકબંધ છે અને દરેક ચડતી પડતીમાં પક્ષની વિચારધારાને વળગી રહ્યાં છે. ભાજપ સત્તામાં આવતા જ અમારા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે જે તેમની નીતિનો ભાગ છે. આ ઉપરાંત ચાવડાએ રાજ્યમાં સર્જાયેલી પીવાના પાણીની સ્થિતી અને સુરત અગ્નિકાંડ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી.