નમસ્કાર મિત્રો, દર ગુરુવારે લોકસંસારના પાના પર માઈક્રોફિક્શન વાર્તાઓ પોતાનો મૌલિક સંસાર લઈ આપની સમક્ષ આવે છે. માઈક્રોફિક્શન વાર્તાઓને પોકેટ ડાયરી પણ કહી શકીએ કારણ એ વાંચવામાં ખૂબ ટુંકી પણ રસપ્રદ હોય છે.માઈક્રો વાર્તા વાચકને આરંભથી અંત લગી ખેંચી રાખે છે.ગદ્ય સાહિત્યનો આ ટૂંકો પ્રકાર રચવામાં ’માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના લોકો પ્રયત્ન કરે છે.વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.
ગુલફામ
દૂર દૂર સુધી ફેલાયેલા સ્વચ્છ વાદળો, મંદ મંદ વા’તા પવનની લહેરખીઓ, તાજીતાજીઉઘડેલ પોયણીની મઘમઘતી ખુશ્બુ..વાતાવરણને તરબતર કરી મુકતી હતી.. પણ મારા નાના એવા શિકારામાં ક્યારે ફરી એ સહેલ કરવા આવશે ? મારી હાઉસબોટ તો તેમના જ માટે !! તે આ ઉનાળે આવશે !! હવે તો આવશે જ .. એવા અંધવિશ્વાસ સાથે હું જીવતો રહ્યો..સમય વહેતો ગયો.. મંદ પવનની લહેરખીઓ સુસવાટા મારવા લાગી.. શિકારાઓ હાલક ડોલક થવા લાગ્યા..ધીમે ધીમે દાલ લેક પણ થીજી ગયું.. પણ !!!! મારી તેમના પ્રત્યેનીલાગણી ?મારો ઇન્તજાર ? તે પ્રવાહિત જ છે.. હજુ પણ અર્ધ ખીલેલી પોયણી જેવો જ… ’એ આવશે ને !! મારું દિલ થીજી જાય તે પહેલાં ?..’
– અલ્પા પંડયા દેસાઈ
” ડાયરો”
રૂપી દોડતી આવીને સવલીને વળગી પડે છે. કાલાવાલા કરતી, “આયજ હું ડાયરો જોવા જાવ? મા ફળિયાની બાયું હાયરે ?” ત્યાંતો સવલી તાડુકી…”ડાયરા વાળી થાસો તે કાઈલ કામે કોણ આવહે? તારો બાપ ?” બાજુવાળા જમની કાકીની સમજાવટથી સવલીએ જાવાની હા ભણી. “હારું ત્યારે ટાઇઢ નું ઓઢવાનું લઇલેજે ને ટાણા હમી ઘરભેગી થાજે.” રાતે વાળુપાણી પતાવીને રૂપી ખુશ થતી ત્રણેક ખેતરવા આઘે ડાયરે જવા ઉપડી. મધરાત સુધી ડાયરો જામ્યો છે. મેદની માતી નથી. કલાકારો પર નોટોના ઢગ ખડકાઇ ગયા. પ્રેક્ષકોની ફરમાઈશ પર મારી ’લાડકીરે…મારી દીકરી…રે’ ખૂબ જમાવટ વચ્ચે એક વેદનાભરી ચીસ સંગીતના અવાજમાં વિલીન થઈ ગઈ. પરોઢે સ્ટેજની પછીતે ટોળે વળેલી વસ્તી, માસૂમ રૂપીના પિંખાયલ દેહભણી જોઇ રહી. સૂરજનો પ્રકાશ રૂપીને ઉષ્મીત કરે એ પહેલાં રૂપીનો દેહ ઢીંગરાઈ ને !!
– ઈલા આર. મિસ્ત્રી
હુકમ
નવા લગાવેલા પડદા એની મોહક અદામાં ઝૂલી રહ્યાં હતાં. આખા રૂમને મંદગતિએ પ્રકાશ આપતો નાઈટ લેમ્પ જાણે ઝુલી રહ્યો હતો. રાગીના ધીમા સ્વરે ગવાતા ગીતને આખું બાથરૂમ માણી રહ્યું હતું. અને પોતાને સુગંધિત પરફ્યુમથી મઘમઘાવીને એણે જ્યારે એની ગુલાબી નાઈટી પહેરીને જોયું તો અરીસો પણ ધન્યતા અનુભવી રહ્યો.. આજે પૂરા બે મહિના પછી વિરાજ એની બિઝનેસ ટ્રીપ પરથી આવ્યો હતો. રાગીના અરમાન આજે બેકાબૂ હતાં. એણે રૂમની ઠંડી દીવાલને સ્પર્શ કર્યો. હીટરનું રિમોટ હાથમાં લઈને પાછું મુકી દીધું. ‘આજે તને રજા’ કહીને.. થોડીવારે વિરાજ આવ્યો. સીધો ન્હાવા જતો રહ્યો.. ને પછીપ “ઓ ડીયર સખત થાકી ગયો છું.. કાલે જ્યાં સુધી ઉઠું નહીં ત્યાં સુધી પ્લીઝ મને જગાડતી નહીં” કહીને રજાઈમાં જાણે સંતાઈ ગયો. રાગીએ હીટરના રિમોટને જાણે હુકમ કર્યો. ‘ઓરડો તપાવી દે.’
– દક્ષા દવે ’રંજન’
ચિઠ્ઠી
હમણાં હમણાં દિવસ વહેલો ઢળી જતો હતો. નંદિની ખુશ હતી.હમણાં જ લગ્નની તિથી ગઈ હતી. લગ્નજીવનને દસ વર્ષ થયા.સમય કેમ વીતી ગયો ખબર જ ના પડી. આ શું?કોનો કાગળ છે? એમ કરી ટેબલ પર પડેલી ચિઠ્ઠી ઉઠાવી અને વાંચતા જ ફસડાઈ પડી અને બહારના વાતાવરણની જેમ નંદિની પણ થીજી ગઈ. ચિઠ્ઠીમાં શબ્દ હતો ’છૂટાછેડા’.
– શ્રેયસ ત્રિવેદી
“સરપ્રાઈઝ ગિફ્ટ”
ક્રિસમસ ઇવની રાત હતી, જ્યોર્જ આજે ખૂબ ખુશ હતો.તેને મળેલી બક્ષીસ માંથી તેમણે તેના નાનકડા ક્રિસ માટે મખમલનું જેકેટ ખરીદ્યું. જ્યોર્જ તેની મસ્તીમાં બરફથી તરબોળ રસ્તાઓમાં ઉંડા પગલાં પાડી,ઠંડા બર્ફીલા પવનની વિરુદ્ધ, ઘર તરફ ડગલાં માંડતો જતો હતો. થોડે આગળ રસ્તામાં એક પરિવાર ઝૂંપડામાં તાપણું કરી ઠંડી ઉડાડવા નિરર્થક પ્રયાસ કરી રહ્યાં હતાં. એ પરિવારમાં ક્રિસ જેવડાં જ એક બાળકને ઠંડીમાં કણસતા જોઈ જ્યોર્જ તેના હાથમાં રહેલ મખમલનું જેકેટ ઓઢાડી આગળ નીકળી પડે છે. જ્યોર્જએ બાળક અને પરિવારને ખુશ જોઈ આનંદીત થાય છે,પણ ઘર નજીક આવતાં તેને ક્રિસનો ચહેરો જેકેટની રાહ જોતો દેખાય છે અને આનંદ હતાશામાં પરિવર્તિત થઈ જાય છે. ઘરે પહોંચતા ક્રિસ જ્યોર્જને વળગી પડે છે અને કહે છે, ” થેંક્યું પાપા તમે મારું ગમતું જેકેટ લઈ શાંતાક્લોઝ સાથે મોકલાવી મને સરપ્રાઈઝ ગીફ્ટ આપી.” જ્યોર્જએ મખમલના ગરમ જેકેટ પર હુંફાળો હાથ ફેરવ્યો અને તેની પત્ની રોઝીની આંખોમાં જોઈ આશ્ચર્ય સાથે આભરની લાગણી વ્યક્ત કરી..
-ઉજાસ વસાવડા
અટકેલો સમય
પપ્પાનો અવાજ સાંભળી ભૂમિ ઉપરનાં રૂમમાં દોડી ગઈ. ” મારા રૂમમાં કોણ આવ્યું હતું. અહીં કંઈ ફેરવવું, અડવું કે બદલવું નહીં. મને ઓઢાડ, મને ઠંડી લાગે છે” , આટલું બોલતાં તો શિશિરભાઈને હાંફ ચડી ગયો. ભૂમિએ ફટાફટ એ જ જૂની ચાદર ઓઢાડી. પપ્પા એ પણ બદલવા નહોતા દેતા અને બહાર કઈ ઋતુ છે એ પણ એને ખ્યાલ નહોતો. ઘડિયાળમાં એ જ વર્ષોથી એક વાગ્યે અટકી ગયેલ કાંટા, આખાયે રૂમમાં ફરી વળેલ રજ, શાંતિબેનનો સુખડનાં હાર વાળો ફોટો અને પપ્પાની થીજી ગયેલ આંખો……
– કનાલા ધર્મેન્દ્ર અરજણભાઈ
પ્રસૂતા
“મોહન બેટા, ઘરની પાછળ કૂતરી વિયાણી છે.હમણાં જ મેં જોયું.આડશ કરવા એક કોથળો લેતો જજે. બિચારી ટાઢની મારી થરથર ધ્રૂજતી હતી અને હા,આ શીરો ભરેલી તાંસળી પણ લેતો જજે.કંઈક ખાશે તો એનું બિચારીનું દૂધ વધશે અને આવી ટાઢમાં શરીરમાં ગરમાવો પણ રહેશે.પ્રસૂતા જીવની સંભાળ રાખવાથી મોટો કોઈ જ ધરમ નથી.” શાન્તા ડોશીએ આટલું બોલીને વળી પાછું ભગવાનની પૂજામાં મન પરોવ્યું. ત્યાં તો એકદમ સુકાઈ ગયેલી છાતીએ વળગીને ચૂસાચૂસ કરતા છોકરાને હડસેલતાં તાજી જ પ્રસૂતા એવી મોહનાની વહુએ શીરાની તાંસળી સામે જોયું અને એની નીચે પાથરેલો કોથળો કાઢતાં કાઢતાં બોલી, ’સાચી વાત,આજ તો બહુ જ ટાઢ છે’
– ડૉ.કિશોર એન.ઠક્કર.
“લાગણી ”
હવેથી રાતે ઓઢવાના ગોદડા કાઢવાની લપ ગઈ. આપણા રૂમમાં મેં હિટર લગાવડાવી દીધું છે. હવે ભારેખમ ગોદડા ઓઢવાના બંધ. જમતાં જમતાં માનુષે એની પત્ની માર્ગીને કહ્યું. માર્ગીતો ખુશ થઈ ગઈ એને એના સાસુ-સસરા જોડે ખૂબ લાગણી એટલે એ કહેવા માંડી આપણા રૂમમાં હિટર લગાવડાવ્યું છે તો બા-બાપુજીના રૂમમાં પણ લગાવડાવી દોને એમને આ ઠંડા આરસ પર ચલાતું પણ નથી. એ સમયે બાપુજી રસોડાના ખૂણામાં ધાબડો ઓઢી ઠંડીના ઠુંઠવાતા બેઠા હતા. બા પણ એમની બાજુમાં બાપુજી માટે દવા લઈ બેઠેલા હતા. ત્યારે માનુષ અજાણ્યો બન્યો હોય એમ બાપુજીને પૂછવા માંડે છે કે “બાપુજી તમારા રૂમમાં હિટર લગાવવાની જરૂર છે?” ત્યારે બાજુમાં બેઠેલા એના બાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને એ બોલ્યા કે “બેટા અમારા રૂમમાં હિટરની જરૂર નથી….. આગળ બા કાંઈ બોલે એ પહેલાં માનુષે માર્ગીને કહ્યું “જોયું મારા મમ્મી પપ્પા સ્ટ્રૉંગ છે.. એને હીટરની જરૂર નથી..” …. “થોડી લાગણી” બા ના શબ્દો એના દિલમાં જ થીજી ગયા…
– સંકેત વ્યાસ (ઈશારો)
કપટ
સંતોષી ..નામ સાર્થક થાય તેવાજ ગુણ. સરળ સ્વભાવ, સયુંકત પરિવારનું રાજકારણ અસહ્ય લાગ્યું, પિયર આવી. બે બાળકીની માતા, સંતોષી સંતાનની મમતાના તાંતણે ખેંચાઈને સાસરે પાછી આવી. જેઠાણી અમિતા એને સમજાવતી. સહનશીલતાની મૂર્તિ બનીને પોતાની દીકરીઓ માટે જીવન વ્યતીત કરવા લાગી. એક દિવસ…..કડકડતી ઠંડીમાં પણ સંતોષી પરસેવાથી રેબઝેબ થઇ ગઈ, જયારે એણે જોયું, એના પતિપરમેશ્વર અનિલ અને જેમને અંતરંગ સખી માનતી હતી, એવા જેઠાણી અમિતા. એકાંતમાં ????
– ચેતના ગણાત્રા ’ચેતુ’
આળસ
શારદાબેન પાર્થને શાળાએ જવાના એક કલાક પહેલા ઉઠાડવાનું ચાલુ કરતાં ત્યારે માંડમાંડ પાર્થ ઉઠતો. આજે પણ પાર્થ ઉઠ! એવી મમ્મીની બૂમ સાંભળતા પાર્થ ને યાદ આવ્યુ શાળાનો સમય થઇ ગયો છે, પરંતુ પાર્થને માખણ જેવી રૂની રજાઈ માથી બહાર નીકળવાનું મન થતું ન હતું. કડકડતી ઠંડીમાં એને આળસ આવતી હતી. અચાનક કંઇક યાદ આવતા પાર્થ મમ્મીની નજર ના હોય એમ રજાઈમાંથી બહાર નીકળી ડુંગળી લઈ આવ્યો.પાર્થ ના ઉઠતા શારદાબેન જઈને માથાપર હાથ ફેરવે છે ત્યાં તો……….
– હિમા (સચીન)
વૅઇટ
આજે વસંતે ડાહીબાની અંતિમવિધિ માટે ફોર્મ ભર્યું ને તારીખ માટે પૂછતા તેને જવાબ મળ્યો; “થોડો વૅઇટ કરો પંદર દિવસ પછી તમારો ટર્ન આવશે.” ને અમેરિકાની કકડતી ઠંડીએ વસંતને થીજવી દીધો. ને બાના શબ્દો તેના કાનમાં ગૂંજવા લાગ્યાઃ “મર્યા પછી પણ…..” ડાહીબા જેસંગદાદાના ગયા પછી સાવ એકલા થઇ ગયા. એકનો એક દીકરો વસંત ડાહીબાની ઇચ્છા ન હોવા છતાં તેમને અમેરિકા લઇ ગયો. ત્યાં કારપેટમાં ફરતા ડાહીબા રાત દા’ડો ગામડાના ઘરનો ઓટલો ઝંખતા હતા. પણ વિદેશની કમાણીમાં મસ્ત એવા દીકરા અને વહુને ડૉલર સામે ડાહીબાનો ડૂમો દેખાતો ન હતો. જ્યારે-જ્યારે બા ઇન્ડિયા જવાની વાત કરતા, વસંત એક જ જવાબ આપતો; “બા, થોડો વૅઇટ કરો”. આ ’વેઇટ’ શબ્દ સાંભળી બહાર ચાલી રહેલી ઠંડી ડાહીબાના શરીરમાં ચમકારો છોડી જતી.ને તે વસંતને કહી દેતા;”બેટા, મર્યા પછી પણ વૅઇટ કરાવીશ કે શું?”
– શ્રદ્ધા ભાવસાર(અમીન) “અલબેલી ગુજરાતણ’’
હિમશીલા
અંદરથી એક આવાજ આવ્યો “તું આવે છે હું ક્યારનો તારી રાહ જોઉં છું” સાંભળતા જ લીલા એ ગાલ સુધી પહોંચી ગયેલા આંસુ ઝડપથી લૂછી લીધા. તર્પણ હજુએ બોલાવી રહ્યો હતો “જલ્દી આવ આ ઠંડા દિવસોમાં તો થીજી ગયેલી લાગણીઓને તાપણું આપ હવે કેટલો સમય હું તારી સાથે રહીશ શુ ખબર” દેહમાં લપકતા કર્કરોગના કીડા ઉષ્મીત છે મને થિજાવવા. સાંભળતાજ લીલા રસોડામાંથી રીતસર દોડીને બેડરૂમમાં સુતેલા તર્પણને વળગી પડી .તેણે પરાણે રોકી રાખેલા ગરમ આંસુઓ તર્પણના ટાઢા પડી ગયેલા ખભ્ભાને ભીંજવી રહયાં. લીલાએ તર્પણના ગાલને ચૂમીને કહ્યું મારા આલિંગનમાં તારું શરીર હું સદાય તપતું રાખીશ તર્પણ હું તેને ઠંડુ નહિ થવા દઉં કોઈ પણ કાળે નહિ થવા દઉં . બહારના બર્ફીલા તોફાનો શમી ગયા અને લીલાની બાહોમાં તર્પણના શ્વાસ પણ . ઠંડી જાણે દરેક જગ્યાએ વ્યાપ્ત થઈ, બધું હિમશીલા સમાન થયું. એક શરીર એક મન અને વાતાવરણ બધું ટાઢુંબોળ બન્યું હતું હવે.
– ચિંતલ જોશી.
ખુશી
મિત્રનો મેસેજ આવ્યો…… “હું બસમાં આવી રહ્યો છું…. રાજકોટ પહોંચવાની તૈયારીમાં છું….. તું બસ સ્ટેશને આવે તો સારૂં……” “અરે યાર, તને લેવાં તો આવું જ ને?” …….. હું બસ સ્ટેશન પહોંચ્યો…… થોડી વારમાં મિત્ર આવી પહોંચ્યો. બંને ભાવવિભોર બની ગયાં! ” ચાલ મિત્ર, રિક્ષામાં જતાં રહીએ.” મારો મિત્ર જે બસમાં બેઠો હતો તેની સામે એકીટસે જોઈ રહ્યો હતો…!…કદાચ કોઈ વસ્તુ ભૂલી ગયો હશે!…. “કોઈ વસ્તુ બસમાં ભૂલી ગયો કે શું?” “હા, થોડી વારમાં આવું….” આટલું કહી તે જે બસમાં આવ્યો હતો….. તે તરફ ચાલતાં – ચાલતાં પોતે પહેરેલ સ્વેટર કાઢતાં બસમાં ચડ્યો….. હું એને જોતો રહ્યો. થોડીવારે એ પાછો આવ્યો. એનું સ્વેટર એની પાસે ન હતું. પણ, એના ચહેરા પર ખુશી હતી! મેં બસ તરફ જોયું. એનું સ્વેટર પહેરેલો એક માણસ એને હાથ હલાવીને આશીર્વાદ આપી રહ્યો હતો!!……
– હસમુખ રામદેપુત્રા
સુસજ્જ ઘર
સાંજે છ વાગે સીમા ઓફીસથી ઘરે આવી. થાકેલા શરીરમાં ગરમાવો લાવવવા તેણે ફ્રીઝ અને બાર રેક ખોલ્યું, પણ બન્ને ખાલી હતા. તેને યાદ આવ્યું સ્નોફોલના લીધે અઠવાડિયાથી તેનાથી ગ્રોસરી લવાણી જ નથી. સુરજ તો આદત મુજબ એનો રૂમ બંધ કરીને બેઠો હતો.એને બોલાવવનો કોઈ મતલબ જ ન હતો. ચારેક મહિનાથી બન્ને એક છત નીચે માઈલો દૂર રહેતા હતા. “ઓહ!” અત્યારે હીટર મશીન પણ ચાલતું ન હતું, ને તૂટેલી બારીની તડમાંથી સુસવાટા મારતો પવન આખા ઘરમાં ફરી વળ્યો હતો. સીમા દોડતી બેડરૂમમાં ગઈ તો અંદર એકપણ ઓઢવાના નહીં! ને ખાલી કબાટ ખુલ્લા પડ્યા હતા. “ઉફ!” કરતી સીમા જમીન પર ફસડાઈ પડી. ચારેક કલાક પછી પોલીસ ને ડોક્ટર સુસજ્જ ઘરમાં આવ્યા ને સીમાને ઠંડીથી મૃત જાહેર કરી.
– અલ્પા વસા
ફેસબુકિયો પ્રેમ
બંને બાજુ ઓનલાઈનતા આવી.સૃષ્ટિના એફ.બી મેસેન્જર પર કંઈ કેટલાય દિલ ધબકવા લાગ્યાં.એણે ફરી સાગરની પ્રોફાઈલ નીરખી અને પછી બે મોટા દિલ મેસેજ કર્યાં.સાગરનો ચહેરો ફિલ્મસ્ટારથી ઓછો નહોતો ! આમને આમ બે મહિના સુધી ચાલ્યું.ફેસબુકે બે પ્રેમી પંખીડાઓની જોડી બનાવી.એકબીજાની પસંદગીની ડિશ,કલર,ફિલ્મ,સિરિયલ,હોબી….એમ ઘણા’ય મુદ્દાઓ ચર્ચાઈ ગયાં. આજે ક્રિસમસની સાંજે શહેરની એક ફૅમસ હોટલમાં મળવાનું નક્કી કરેલાનુસાર સૃષ્ટિ યેલ્લો ડ્રેસમાં ટેબલ પર બેઠી.એણે વેઈટર પાસેથી બે કપ કૉફીનો ઓર્ડર આપ્યો.એ ઠંડા વાયરાની લહેરકીમાં કૉફીની ચુસ્કી લેતી રહી. અંતે આખ્ખો કપ ખલ્લાસ થયો પણ પ્રતિક્ષા અકબંધ રહી. ’’પ્લીઝ,આ કપ પાછો લઈ જાવ.’’ એણે વેઈટરને બોલાવી કહ્યું. ’’ કેમ કોઈ આવવાનું છે ?’’ , ’’હા..મારો એક મિત્ર યેલ્લો શર્ટમાં આવવાનો હતો.’’ તરત વેઈટર રૂમમાં જઈ એ યેલ્લો શર્ટ પહેરી ટેબલ પાસે આવી ઉભો રહ્યો.
– ધાર્મિક પરમાર ’ધર્મદ’
વાચકોના અભિપ્રાય
ૈંહઙ્ઘીીઙ્ઘ… ૈં ુટ્ઠજ દ્બીર્દ્બટ્ઠિહ્વઙ્મી ર્િખ્તટ્ઠિદ્બદ્બી. છહષ્ઠર્રિૈહખ્ત ુટ્ઠજ જેીહ્વિ છઙ્મઙ્મ જર્િંૈીજ ટ્ઠુીર્જદ્બી. જીટ્ઠઙ્મેીં … ય્િીટ્ઠં.. ફીિઅ રટ્ઠઅ ર્ં હ્વી ટ્ઠિંર્ ક ંરૈજ ીંટ્ઠદ્બ ્રહટ સ્ૈષ્ઠર્િકૈષ્ઠર્ૈંહ ખ્તર્િે ટ્ઠઙ્ઘદ્બૈહજ..
– ચેતનાબેન ગણાત્રા
ય્િં ૈહજૈિૈહખ્ત ીદૃીહં હૈષ્ઠી ખ્તર્િે હઙ્ઘ ીંટ્ઠદ્બ
– મીનલ જૈન
આભાર માઈક્રો સ્ટોરી શણગાર પરિવાર ક..ખ..ગ..થી સ્ટોરી સુધીની સફર માટે
– ઈલાબેન મિસ્ત્રી
આભાર.. સાથ સહકાર અને આ તક માટે. માઇક્રો સ્ટોરી શણગાર ગ્રુપ…
– ચેતનાબેન ગણાત્રા