આગામી તારીખ ૮ જૂનથી કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપુર ખાતે પશુ રક્ષા માટે અવિરત સેવા ધર્મ નીભાવતા અહિંસાધામ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા માનસ કથાનો પ્રેમ યજ્ઞ આરંભાશે.
૧૯૯૦માં જાદવજીભાઈ ગંગર ની પ્રેરણાથી આરંભાયેલ પ્રાગપુર ખાતે સ્થિત આ સંસ્થા કચ્છ- કાઠિયાવાડ- ગુજરાત અને હિન્દુસ્તાનમાં તો પોતાના પાવન પ્રભુ કાર્ય માટે પ્રસિદ્ધ છે જ ,પણ પૂરા વિશ્વના જીવદયાપ્રેમીઓ, પર્યાવરણવિદો અને ગૌભક્તોમાં પણ આદરપાત્ર બની છે.
હાલમાં ૪૯૦૦ પશુ-પક્ષીઓની આશ્રયદાતા એવી આ સંસ્થા “ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર” રૂપે પ્રશંસનીય અને પ્રેરણાદાયી પ્રભુકાર્ય પ્રેમપૂર્વક કરી રહી છે. અહીં પશુઓના રોગની સારવાર માટે ઉપચાર કેન્દ્ર છે.અશક્ત,અસહાય,અબોલ પશુઓના ઉપચાર અહીં થાય છે. ૪૦૦થી વધુ પશુઓની આઇસીયુમાં સારવાર ચાલે છે.સંસ્થાના બે કેમ્પસ છે- અહિંસાધામ વેટર્નિટી હોસ્પિટલ સંકુલ અને “અહિંસાધામ નંદી સરોવર.”હોસ્પિટલ સંકુલમાં વિશાળ મ્યુઝિયમ છે, જયાં અહિંસા,પર્યાવરણ, જનજાગૃતિ વિષયક દસ્તાવેજી માહિતી મળી શકે છે.સંસ્થામાં ૪૫૦૦ સ્ક્વેર ફીટનું ઓડિટોરિયમ છે, જેમાં ’નવનીત મીની થિયેટર’માં વિડિયો કેસેટ દ્વારા પશુ-પક્ષીઓ પર આચરવામાં આવતી હિંસા અને કતલખાનામાં થતી ક્રુરતા દ્વારા માનવીમાં પડેલી પશુતા દર્શાવી, જીવદયાનું મહત્વ સ્પષ્ટ કરવામાં આવે છે. ઉપરાંત પાંચસોથી વધુ બેઠકોવાળા ઓડિટોરિયમમાં ખેડૂતો, ખેતીવાડી તજજ્ઞો, પર્યાવરણવિદો, પશુ કલ્યાણ નિષ્ણાંતો, જીવદયાપ્રેમીઓ, વેટરનરી ડોકટરો વગેરે માટે શિબિરો,સેમિનારો અને ચર્ચા સભાઓ યોજાય છે.
સંસ્થાની ખાસ વિશેષતા એ છે કે અહીં ૪૦૦ બેડની વ્યવસ્થા ધરાવતું, બીમાર પશુઓ માટેનું આઇસીયુ છે, જે ૧૧૦૦૦ સ્ક્વેર ફીટ અને ૧૨૫૦૦ સ્ક્વેર ફીટ એમ બે વિભાગમાં છે. તેમાં ઓપરેશન થિયેટર,એક્સ-રે રૂમ, ક્લોઝ સર્કિટ ટીવી અને વિડિયો સિસ્ટમ, ચુંબકીય ચિકિત્સા થેરાપી, અને સ્લોપ સાથેનું સિમેન્ટ ફ્લોરિંગ છે. ઉપરાંત અહીં ઊંચું શિખર ચિકિત્સા માટે સપ્તાહ પર ચોવીસે કલાક ડૉક્ટરો ઉપસ્થિત રહે છે
આટલી વિશાળ,ઉચ્ચ પ્રકારનું સાધન સુવિધાપૂર્ણ પશુચિકિત્સા કેન્દ્ર કદાચ ભારતભરમાં બીજું એક પણ નથી.૪૦૦થી વધુ પ્રાણીઓ એક સાથે આઇસીયુમાં સારવાર પામી શકે છે, જેમાં ગાય-ભેંસ અને હરણ ઉપરાંત
ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે.અહિંસાધામનું બીજું મહત્વનું સોપાન- નંદી સરોવરનું નિર્માણ કાર્ય છે. ૩૫ એકરમાં પથરાયેલું આ માનવસર્જિત તળાવ, વર્ષભર પાણીથી ભરેલું રહે છે. જેમાંથી પશુપંખીઓની રોજિંદી પાણીની જરૂરિયાત સંતોષાય છે, ઉપરાંત વૃક્ષોને પણ પાણી પૂરું પડે છે.અહીં આયુર્વેદિક દવાઓ માટેનું ઔષધીવન છે. પશુ માટે મુક્ત અભયારણ્ય, પશુ-આવાસ, પક્ષી અભયારણ્ય અને માનવ નિર્મિત વૃક્ષવન છે, જેમાં ૧૮૦૦૦ વૃક્ષો છે.
૫૦૦ જેટલા પશુઓના વર્ષભરના ખોરાક સંગ્રહ માટે વિશાળ ગોડાઉન છે. સંસ્થામાં નાનું પ્રાણીસંગ્રહાલય છે, જે પશુ-પંખીઓ માટે નું સુરક્ષા કેન્દ્ર છે.
આવી, ગુજરાતના ગૌરવ સમી,કચ્છ ભૂમિની જીવદયા અને પ્રાણીમાત્ર તરફની કરુણાની જ્વલંત જ્યોત સમાન, હિન્દુસ્તાનની સાંસ્કૃતિક ધરોહર સમા પશુ-પંખીઓમાં પણ પરમાત્માને નિહાળનાર સનાતન ધર્મના વેદવાક્ય “અહિંસા પરમો ધર્મ”ને સાર્થક કરતી સંસ્થાના લાભાર્થે કથાગાન આરંભાશે. ભગવાનુ બુદ્ધ, મહાવીર અને મહાત્મા ગાંધીના અહિંસા ધર્મને આદરપૂર્વક સ્વીકારી અહિંસાને માતૃશક્તિ મા જગદંબાનું સ્વરૂપ સમજનારા પૂજ્ય મોરારીબાપુ પોતાની ગુરુમુખી પાવન વાણી દ્વારા માનસ કથા ગાનનું અમૃતપાન કરાવશે. એના શ્રવણ માટે વ્યાસપીઠના વિશ્વભરના શ્રોતાઓ આતુર છે.