ગુજરાત એટીએસ અને કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરતા ત્રણ શખ્સોને એરપોર્ટ પાસેથી ઝડપી લીધા છે. ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરતા ત્રણ શખ્સોની હાલ કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ શખ્સો ચાર કિલો સોનુ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝડપાયેલા ત્રણેય શખ્સો મોહંમદ શરક્યુ મીનાઈ, યુસુફ અન્સારી અને જુલ્ફીકાર લોખંડવાલા દૂબઈથી ચાર કિલો સોનુ લાવતા પકડાયા છે. આ શખ્સો બૂટ અને પેન્ટમાં ગુપ્ત ખાનાઓ બનાવી તેમાં સોનુ છુપાઈને લાવ્યા હતા. પરંતુ એટીએસને આ બાબતની માહિતી મળી હતી. જેથી એટીએસની ટીમે કસ્ટમ વિભાગની એરપોર્ટ પર તેનાત રાખવા સૂચન કર્યું હતું. જ આ ત્રણેય શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય શખ્સો ઇન્ડિગોની દુબઈથી આવી રહેલી ફ્લાઈટ નંબર ૬ઈ૭૨માં અમદાવાદ પહોંચ્યા હતા અને આ સોનાનો જથ્થો પહોંચાડવા માટે નીકળ્યા હતા.
માનવામાં આવી રહ્યું છે કે, આ ચાર કિલોથી વધુનો સોનાના જથ્થાની બજાર કિંમત સવા કરોડથી પણ વધુ થવા જઈ રહી છે. ત્યારે હાલ તો કસ્ટમ વિભાગે ત્રણેય શખ્સોની વધુ પૂછપરછ શરૂ કરી છે.