જિલ્લાની શાળાઓમાં ફાયરસેફ્ટીની ચકાસણી કરતા સાધનો હતા પરંતુ પ્રમાણપત્ર નહી હોવાથી ૧૩૯૭ શાળાઓને નોટીસ ફટકારી છે. ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર નહી લેનાર શાળાઓની માન્યતા રદ કરવા સહિતના આકરા પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
સુરતમાં આગઝની બનાવવામાં ૨૨ જેટલાં બાળકોના મોત થયા બાદ રાજ્ય સરકાર કુંભકર્ણ નિંદ્રાધિન અવસ્થામાં જાગ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ટ્યુશન ક્લાસિસો, શાળાઓ, હોટલ, બહુમાળી બિલ્ડીંગો, રેસ્ટોરન્ટ, મોલ, દવાખાના, હોસ્પિટલો સહિતમાં ફાયરસેફ્ટીની ચકાસણીનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગાંધીનગર પણ બાકાત રહ્યું નથી. જિલ્લા કલેક્ટરના આદેશ અંતર્ગત શાળાઓમાં ફાયરસેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા ડીઇઓ અને ડીપીઇઓ કચેરીના કર્મચારીઓ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી અને સીઆરસીની ૭૫ ટીમો બનાવી હતી. જિલ્લા કલેક્ટરે આપેલી સુચના મુજબ ફાયરસેફ્ટી મામલે શાળાઓમાં ચકાસણી કરી હતી. સતત ચાર દિવસ સુધી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સહિતની તમામ શાળાઓમાં ફાયરસેફ્ટી અંગેની સઘન ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લાની ૧૩૯૭ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણપત્રના અભાવને પગલે શાળાઓને નોટીસ ફટકારીને દિન-૭માં ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર મેળવી લેવાની સુચના શાળાઓ સંચાલકોને આપી હતી. નોટીસ આપવા છતાં શાળાઓ દ્વારા ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર લેવામાં નહી લેનાર શાળાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાશે. અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભરત વઢેરને પુછતાં જણાવ્યું છે કે ફાયરસેફ્ટીના પ્રમાણપત્ર મેળવી લેવા શાળાઓને નોટીસ ફટકારવામાં આવી હોવા છતાં જો શાળાઓ દ્વારા પ્રમાણપત્ર લેવામાં નહી આવે તો શિક્ષણ વિભાગના નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત શાળાણની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ફાયરસેફ્ટી અંગેની શાળાઓમાં ચકાસણીમાં ફાયર સેફ્ટીને લગતા સાધનો ફાયર એક્સટીગ્યુંસર સહિતના સાધનો હતા. પરંતુ શાળાઓ પાસે ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર નહી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.