સમગ્ર રાજ્યમાં ગરમી પ્રકોપ યથાવત : પારો ૪૪ને પાર

726

અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે ગરમીથી લોકો બેહાલ રહ્યા હતા. પારો સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી રહેતા ભીષણ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૪થી ઉપર રહ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં રહ્યો હતો જ્યાં પારો ૪૪.૪ રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં પારો વધવાની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા જિલ્લાઓમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને કચ્છમાં પારો ઉપર જવાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આવતીકાલે પારો અમદાવાદમાં આંશિકરીતે ઘટીને ૪૩ રહી શકે છે. દક્ષિણી પાકિસ્તાન ઉપર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આ ભીષણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કોર્પોરેશન દ્વારા હિટવેવને લઇને કેટલીક ચેતવણી પણ જારી કરી છે. સાથે સાથે યલો એલર્ટ પણ જાહેર કરતા લોકો સાવચેત થયા છે. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નિકળ્યા હતા. તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે. મોબાઇલ બપોરના ગાળામાં પારો ૪૫થી ઉપર દર્શાવવામાં આવતા લોકોમાં આને લઇને ચર્ચા જોવા મળી હતી. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હવામાન વિભાગ દ્વારા હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે અને એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. ગરમીનો પ્રકોસ અકબંધ રહે તેવી શક્યતા છે.  દક્ષિણ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે વિશેષ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પારો ૪૪ રહ્યો હતો અને આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૩ રહી શકે છે. પારો ૪૪થી ઉપર રહેતા અમદાવાદમાં જનજીવન ખોરવાઈ જાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. વિવિધ ભાગોમાં પારો ૪૪ની નજીક રહ્યો હતો જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

Previous articleડિઝાઇનીંગની વિદ્યાર્થિનીઓએ ડેનીમના વેસ્ટમાંથી તૈયાર કર્યું મોદીનું ચિત્ર
Next articleસતત ચોથા દિવસે ફાયરસેફ્ટી અને ડિમોલીશન મુદ્દે કાર્યવાહી