સતત ચોથા દિવસે ફાયરસેફ્ટી અને ડિમોલીશન મુદ્દે કાર્યવાહી

886

સુરતમાં આગની ઘટના બાદ શહેરમાં અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર સેફ્‌ટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમ્યુકોની ટીમ દ્વારા સતત ૪થા દિવસે શહેરમાં આવેલી સ્કૂલો, હોસ્પિટલ ટ્યૂશન ક્લાસિસ, હોટલ્સ અને રેસ્ટોરેન્ટ્‌માં બનાવેલા ગેરકાયદેસર બાંધકામ અને શેડને દૂર કરવાનું કામ શરૂ કરાયું છે. આજે સવારથી જોધપુરની એ-વન હાઇસ્કૂલ, વેજલપુરની હોટલ શ્રીમદ્‌ તેમ જ રિલીફરોડની હોટલ મેહુલ, સાલ હોસ્પિટલ ખાતે ટેરેસ પરના શેડ્‌સ અને ગેરકાયદે સ્ટ્રકચરને દૂર કરી ડિમોલિશની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અમ્યુકો તંત્ર દ્વારા આજે ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ તેમ જ ટીવી ટાવર ચાર રસ્તા પર આવેલી સાલ હોસ્પિટલના ટેરેસ પરના ગેરકાયદે શેડ્‌સ અને સ્ટ્રકચરને તોડી દૂર કરવામાં આવ્યા હતા. જેને લઇ સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ જ પ્રકારે અમ્યુકોની દક્ષિણ પશ્વિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જોધપુરની એ-વન હાઇસ્કૂલ, વેજલપુરની હોટલ શ્રીમદ્‌ તેમ જ જોધપુરના ઝાલોપિયા બિલ્ડીંગના ટેરેસ પરના ગેરકાયદે શેડ અને સ્ટ્રકચર હટાવવામાં આવ્યા હતા.

જયારે મધ્ય ઝોનમાં કાલુપુરના વીજળીઘર પાસેની મેહુલ હોટલ, હોટલ ગુડનાઇટ, ઘંટાકર્ણ મહાવીર મોલ પાસેની હોટલ દેવ પેલેસના ટેરેસ પરના ગેરકાયદે શેડ અને સ્ટ્રકચર સહિતના ગેરકાયદે બાંધકામ તોડી નાંખવાની કામગીરી પણ હાથ ધરાઇ હતી. તો શહેરના પૂર્વ ઝોનમાં ઓઢવની વિદ્યાનગર સ્કૂલ, અમરાઇવાડીની ગીતા સ્કૂલ, નિકોલની સેન્ટઝેવિયર્સ સ્કૂલ અને ખુશી આર્કેડ તેમ જ ગોમતીપુરમાં આવેલા ગણેશ પ્લાઝાના ટેરેસ પરના ગેરકાયદે શેડ્‌સ અને બાંધકામને દૂર કરવાની ડિમોલીશનની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જયારે શહેરના પશ્ચિમ ઝોનમાં સીજી રોડ પરના નેશનલ પ્લાઝા ખાતે પણ આ પ્રકારની ડિમોલીશન કાર્યવાહી હાથ ધરાઇ હતી. શહેરમાં રાફડાની જેમ ફાટી નીકળેલી અનેક સ્કૂલો લાખો રૂપિયાની ફી ઉઘરાવતી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે બેદરકારી દાખવતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી સ્કૂલો રેસ્ટોરેન્ટો અને હોટલો ગેરકાયદેસર બાંધકામો કરી દેતી હોય છે અને જ્યારે ગંભીર દુર્ઘટના બને ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ શરૂ કરી બાંધકામો દૂર કરાય છે પરંતુ પહેલેથી જ તંત્ર સજાગ અને સાવધાન રહેતું હોય તો, આવી ઘટનાઓ નિવારી શકાય. આગામી દિવસોમાં પણ અમ્યુકો તંત્રની ફાયરસેફ્ટી અને ડિમોલીશનની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે એમ અમ્યુકો અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું.

Previous articleસમગ્ર રાજ્યમાં ગરમી પ્રકોપ યથાવત : પારો ૪૪ને પાર
Next articleઓવરસ્પીડ વાહનચાલકો સાવધાન, આવી ગઈ છે US ટેક્નોલોજી ધરાવતી સ્પીડ ગન