પોલીસ-મેડિસીટી સિવિલના સંયુકત ઉપક્રમે કાર્યક્રમો થશે

850

આવતીકાલે તા.૩૧-૫-૨૦૧૯ના રોજ વિશ્વ વ્યસન મુક્તિ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે અમદાવાદ પોલીસ અને મેડિસિટી-સિવિલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એક રેલી અને અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ, મેડિકલ સ્ટુડન્ટ્‌સ, પોલીસ કર્મચારીઓ સહિતના લોકો ખાસ ભાગ લેશે અને વ્યસન મુકિત અને તેની બદીથી જીવન બરબાદ થતુ હોઇ તેની ચુંગાલમાંથી મુકત થવા જાગૃતિ ફેલાવાશે અને સામાજિક સંદેશો પૂરો પાડવામાં આવશે એમ અત્રે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે ૯.૦૦ વાગ્યે બી.જે.મેડિકલ કોલેજ ખાતેથી આ વિશાળ જાગૃતિ રેલીની શરૂઆત થશે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબો, સ્ટાફ કર્મચારીઓ ઉપરાંત મેડિકલ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી, નર્સિંગના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ રેલીમાં જોડાશે. વિદ્યાર્થીઓ હાથમાં વ્યસન મુકિત અને વ્યસનની બદીને નાથો, પરિવાર અને તમારા જીવનને બચાવો સહિતના સામાજિક સંદેશા સાથેના બેનરો, પ્લેકાર્ડ લઇ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે ઉમેર્યું હતું કે, આ રેલી બી.જે.મેડિકલ કોલેજથી નીકળી સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી તેની ફરતે બહાર રોડ પરના વિસ્તારોમાં ફરતી ફરતી સિવિલ હોસ્પિટલની ઓપીડી પાસે અસ્મીતા ભવનમાં પૂર્ણ થશે.

આ રેલીમાં પોલીસ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ પણ ખાસ હાજર રહેશે.  વ્યકિતના જીવનમાં તમાકુ, ધુમ્રપાન, દારૂ સહિત કોઇપણ વ્યસન, નશો કે બંધાણી એ બહુ ખરાબ આદત છે. તેનાથી વ્યકિતનું પોતાનું જીવન તો બરબાદ થાય છે જ પરંતુ તેનાથી તેનો પરિવાર પણ આ બદીમાં હોમાઇ જતો હોય છે. વ્યસનના કારણે સામાજિક અધઃપતન પણ થતુ હોય છે ત્યારે સમાજ, રાજય અને રાષ્ટ્રને વ્યસનમુકત બનાવવાની આપણા સૌકોઇની જવાબદારી છે અને નાગરિકોએ પણ તેમાં જાગૃતિ દાખવી વ્યસનમુકિતનો સંકલ્પ લઇ તેની અમલવારી જીવનમાં સાર્થક કરી બતાવવી જોઇએ એમ પણ ડો.એમ.એમ.પ્રભાકરે લોકોને અનુરોધ કરતાં ઉમેર્યું હતું.

Previous articleદેશમાં ફરી ‘મોદી યુગ’ : શપથ લીધા
Next articleડિઝાઇનીંગની વિદ્યાર્થિનીઓએ ડેનીમના વેસ્ટમાંથી તૈયાર કર્યું મોદીનું ચિત્ર