૩૧ મે તમાકુ નિષેધ દિવસ

1107

જાહેર સ્થળો ઉપર તમાકુ, બીડીનાં ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં છુટથી થતો ઉપયોગ

ગૂનો કરો તે નહિ ગૂનો કરતા પકડાય તેને સજા કહેવાય છે. આમ તો ગૂનો એ ગૂનો.. પણ સજા તેને જ થાય જે પકડાય. વાત તો સાચી છે. આવું જ છે ને, તમાકું માટે પણ, બીડી માટે પણ અને ગુટકા માટે પણ… તમાકુ, ગુટકા માટે કાયદાનો ભંગ ખૂબ થાય છે. અને ખૂબ ખૂબ ઓછાને દંડ થાય છે.

૩૧મે આ દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. સરકાર અને સંસ્થાઓ (એક જ દિવસ માટે ) કાર્યક્રમો, પરિસંવાદો, પ્રદર્શનો વગેરે જાત ભાતના આયોજનો કરે છે. કરવા પડે છે. કારણ કે તેના ખર્ચ માટે શું મોટું ભંડોળ પડેલું હોય છે.

તમામ જાહેર સંસ્થાઓની આસપાસ તમાકુ ખાવી, ચાવવી, ફૂંકવી પ્રતિબંધિત છે તેનું વેચાણ ગેરકાયદેસર છે. પણ એવું તો દારૂમાં પણ છે જ ને ?આમ કાયદો પણ આ બાબતમાં ખાવો, ચાવવો અને ફૂંકવો..? આમ જ થયું લાગે છે ને..?

ચાલો આડી વાત પર જઇએ મુદ્દાની વાત… તમાકુ વિશેની જ કરીએ સરકારી કચેરી, જાહેર સંસ્થાઓમાંં પતાકડાં ચોંટાડવા પડ્યા હોય છે. તમાકુ નિષેધ, ધુમ્રપાન પ્રતિબંધ… ધૂમાડા નીકળતી બીડી પર ચોકડી મારી દોરાયેલું ચિત્ર હોય જ  છે. આવા સ્થાનો ઉપરાંત ધાર્મિક સ્થાનો પર પણ મનાઇ છે. ત્યારે કેટલાક જાહેર સ્થાનો પર તો ઉજવણીની માફક ઉપયોગ થાય છે.

શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ કે દવાખાનાં વગેરેની આસપાસ ચોક્કસ અક્ષરમાં તમાકુ ઉપયોગ કે વેચાણ કરી શકાતું નથી. મોટા ભાગે ગામડાઓની શાળાઓ આસપાસ, દવાખાના કે પંચાયત આસપાસ જ પાનબીડી વેચનારા ગલ્લા ધમધમતા હોય છે. શિક્ષક કશું કરી શક્તા નથી. કોઇ તબીબ પણ પગલાં લઇ શક્તાં નથી. પંચાયતવાળા કશું કરતા નથી. કાયદો તો હોય છે પણ…

સરકારી વાહનો બસ, રેલ્વે વગેરેમાં સૂચના લખાયેલી છે જ પણ શું કરવાનું ? અહિં આસપાસ જ બધુ વેચાણ થતું હોય છે. તે કેમ આ દૂર કરાવી શક્તા નહિ હોય ? પોલીસ કે અહિંના અધિકારીઓ તમાકુ, બીડી, ગુટકાનો ઉપયોગ તો ન જ કરતા હોય ને ?!

ગુટકાની વાત એક મજાની… ગુજરાત સરકારે ગુટકાના વેચાણ – વપરાશ પર પ્રતિબંધ મુક્યો તો ઉત્પાદકોએ મસાલા સોપારી અને ગુટકાની તમાકુની બે અલગ પડીકીમાં વેચવાનું શરૂ કર્યું. ચોળી નાખો એટલે ગુટકા તૈયાર સરકારને કંઇ વાંધો નથી. કેવું ડીંડક ચાલે છે. ચલાવાય છે ?! ગુટકા પર આવો પ્રતિબંધ ?!

આમ તો સરકારી તંત્ર તમાકુ નિયંત્રણ માટે કચેરીઓ પણ રાખેલી જ છે. તમાકુ, ગુટકા નિયંત્રણ માટેના આ અધિકારીઓ કર્મચારીઓ દુકાનો પર દરોડા પાડે છે. દંડ કરે છે, પણ અહિં તમાકું બીડી વગેરે માલ  પાંચ હજારનો હોય તો પાંચ પડીકીના પચાસ રૂપિયા દંડ  કરી આવી દસ વીસ દુકાનોમાં દરોડો પાડો સમાચાર માધ્યમોમાં સમાચાર આપી દેવાના તમાકુ નિયંત્રક કચેરીના દસ દુકાનોમાં દરોડા.. વાહ.. વાહ… કચેરી પણ રાજી અને પેલા દુકાનદારો પણ રાજી…!!

આ દુષણ સામે સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સારા પરિણામ લાવી શકે તેમ છે. તેઓના દ્વારા સંદેશા વડે તમાકુ, ગુટકા કે નશા, વ્યસનો પર વ્યાપક અંકુશ આવી શકે.

પુરૂષોની જેમ સ્ત્રીઓ પણ આ વ્યસનમાં છે. પુરૂષો સમોવડી થઇ જશે. તમાકુ છે, કાયદો છે અને બિમારી છે. ભયંકર બિમારી છે. જરા વિચારવા જેવું છે. કાયદાના બદલે સ્વૈચ્છિક નિયંત્રણ આવી શકે ખરૂ ? કે પછી આવતા દિવસો આપણા માટે ખરાબ જ છે !?

Previous articleગારીયાધાર મેમણ સમાજ દ્વારા ઇફતાર પાર્ટી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે