સરકારી તંત્ર દ્વારા ફક્ત સ્કુલો અને ટ્યુશન ક્લાસીસને ટારગેટ ન બનાવતા આ નિયમો બધાને એક સરખા લાગુ કરવા જોઇએ. ભલે તે કોઇ મહાકાય કંપની હોય કે પછી સરકારી તંત્ર હોય એકને ગોળ ને એક ને ખોળની નીતિ ન ચલાવવી જોઇએ તેવી અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી માંગણી ઉઠેલ છે. આ અંગેની લોકોમાંથી ઉઠેલા પ્રશ્ન એવા છે કે રાજુલાના વિશાળ દરિયાકાંઠે આવેલ પીપાવાવ પોર્ટની અંદર આવેલી એજીસ ગેસ, આઇએમસી કેમીકલ તથા ગલ્ફ ગેસ કંપનીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ટન લેખે ટાંકાઓ મારફત પીપાવાવ પોર્ટમાંથી ગેસ ભરી ભરીને સેફ્ટી અને એકપ્લોઝીવ કાયદાઓનો ભંગ કરીને મોટા મોટા ટાંકાઓ હજારો ટનના ભરેલા રાખવામાં આવે છે. અને પૂરતા પ્રમાણમાં સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવતું નહીં હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહેલ છે. તેમજ આ અંગેની એક્સપ્લોઝીવ વિભાગ વડોદરાને પણ સ્થાનિક સંસ્થાએ રજુઆત કરેલ હોવાનું જાણવા મળેલ છે. સુત્રો પાસેથી જાણવા મળેલ હકીકત મુજબ એજીસ ગેસ કંપની દ્વારા ગેસના ટેન્ક અને કેમીકલ્સના ટેન્કો એક સાથે રાખે છે જે કાયદાની વિરૂદ્ધ હોવાનું નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવેલ છે. તેમજ નિષ્ણાંતો દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે જે આ ગેસના ટેન્કો ક્યારેય પણ સળગે તો, આજુબાજુના એરિયામાં અફડા તફડી સર્જાઇ શકે છે. તેમજ રાત્રીના સમયે ગેસના ટેન્કરો નહીં ભરવાના નિયમોનો પણ ઉલાળીયો કરી ગેસ કંપનીઓ કરી રહી હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવેલ છે. તેમજ આ અંગે અમરેલી અને ભાવનગર જિલ્લાના લોકોમાંથી ઉઠેલ પ્રશ્ન મુજબ પીપાવાવ પોર્ટમાં આવેલી ગેસની વિવિધ કંપનીઓ માંથી રાજકોટ અને ભાવનગર સુધી મોટા મોટા ટેન્કરો માં ગેસનું મોટા પ્રમાણમાં વહન કરીને હાલતા ચાલતા ગમે ત્યારે બ્લાસ્ટ થાય તેવી સંભાવના છે. અને તેને કારણે મોટી જાન હાની થવાની પૂરી સંભાવના છે તો શું આવી જાનહાની થાય તેની રાહમાં છે ? એક બાજુ સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસો અને સ્કુલો ઉપર ધોસ બોલાવેલ છે. ત્યારે અમરેલી જિલ્લામાં ડીએસપી નિરલીપ્તરાય કાર્યવાહી કરશે ? તેમજ આ સંબંધે એક્સપ્લોઝીવ વિભાગ અને સેફ્ટી વિભાગો દ્વારા ફક્ત મુલાકાતો કરીને જ સંતોષ મનાવશે કે પછી કોઇ નક્કર કાર્યવાહી થશે ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. પીપાવાવ પોર્ટથી ગેસ કંપની દ્વારા લઇ જવામાં આવી રહેલ અતિ જ્વલનશીલ ગેસ અને કેમીકલ્સ ભરેલા ટેન્કરો સળગે અને જાનહાની થાય તે પહેલા આવા ટેન્કરો પર સેફ્ટીના નિયમોનો વધારે ઉપયોગ કરવા લોકમાંગ ઉઠેલ છે. આવા ગેસ અને કેમીકલ્સ ભરેલા ટેન્કરો રાજુલા, સાવરકુંડલા, અને અમરેલી, વિકટર, મહુવા, તથા દાતરડી જેવા અનેક નાના મોટા ગામોમાંથી પસાર થાય છે. અને ઘણીવાર આ ટેન્કરો પલ્ટી પણ મારી જાય છે ત્યારે અફડા તફડીનો માહોલ પણ સર્જાય છે. આવો જ બનાવ તેલનું ટેન્કર ગઇકાલે જ બાબરા પાસે હાઇ-વે પર પલ્ટી મારી ગયેલ હતું. જેના કારણે ૭ થી ૮ કલાક સુધી હાઇ-વે પર ટ્રાફીક જામ કરી દેવો પડ્યો હતો અને અફડા તફડી મચી જવા પામી હતી. સદનસીબે આ ટેન્કરને કંઇ વાંધો ન આવ્યો પરંતુ ગમે ત્યારે આવો બનાવ ફરી બને અને આગની ઘટના ઘટે અને મોટી જાનહાની થાય તે પહેલા તંત્ર પગલા ભરે તેવી માંગ ઉઠવા પામી છે.