ભારત જાપાન સમિટનું આયોજન મહાત્મા મંદિર ખાતે યોજાયું છે. ત્યારે શહેરના માર્ગો પર આવકારો આપવા માટે ઠેરઠેર બેનરો અને બન્ને દેશના રાષ્ટ્રધ્વજથી મુખ્ય માર્ગો સજાવવામાં આવ્યા છે. તેમજ મહાત્મા મંદિર ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ તંત્રને આ દરમિયાન આયોજન મુજબ કામગીરી થાય તે માટે ખાસ તકેદારી રાખવામા આવી રહી છે. અને હાલ સમગ્ર વહીવટી તંત્ર આ કામગીરીમા સતત વ્યસ્ત જોવા મળી રહ્યુ છે.
ગાંધીનગરમા અને મહાત્મા મંદિરમાં જાપાન અને ભારતના વડાપ્રધાનની બેઠક યોજાવાની છે. ત્યારે શહેરને લોખંડી સુરક્ષામાં ફેરવી દેવામા આવ્યુ છે. સુરક્ષાને લઇને ક્યાંય પણ કોઇ ચૂક રહી ના જાય તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવી રહી છે. મંગળવારે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ મહાત્મા મંદિરની મુલાકાત કરી સમિક્ષા કરી હતી. જાડેજાએ માહિતી આપી હતી કે, ૨ હજાર જેટલા પોલીસ અધિકારીથી કોન્સ્ટેબલ ફરજ બજાવશે. જ્યારે ૩૦૦ સીસીટીવી ગતિવિધિ ઉપર નજર રાખશે.
મહાત્મા મંદિરમાં મુલાકાતે આવેલા મંત્રી જાડેજાએ કહ્યુ કે, બંને દેશના વડાપ્રધાનની સુરક્ષાને લઇને કડક વ્યવસ્થા કરાઇ છે. ક્યાંય કોઇ જગ્યાએ ચુક રહી ના જાય તેની તમામ તૈયારીઓ કરાઇ છે. મહત્મા મંદિર વિસ્તારમાં ૩૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે તમામ પ્રકારની ગતિવિધિ ઉપર નજર રાખશે. ગાંધીનગર શહેરમાં ત્રણ ભાગમાં સુરક્ષા વહેચી નાખવામાં આવી છે.
મહાત્મા મંદિર, રાજભવન અને એરપોર્ટ સમગ્ર રૂટ ઉપર સતત મોનીટરીંગ કરવામાં આવશે. ૧૦ બગેજ સ્કેનર દ્વારા ચેકીંગ કરાશે. ગાંધીનગર શહેર બે દિવસ દરમિયાન લોખંડી સુરક્ષામાં ફેરવી દેવામાં આવ્યુ છે.
મુલાકાત દરમિયા જિલ્લા કલેક્ટર સતિશ પટેલ, એસપી વિરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આઇજી – ૧, એસપી – ૬, એએસપી – ૨, ડીવાયએસપી – ૩૫, પીઆઇ – ૭૦, પીએસઆઇ – ૧૫૦, પોલીસ – ૧૮૦૦, ટ્રાફિક પોલીસ – ૧૫૦, એસઆરપી કંપની – ૬, એનએસજી ટીમ – ૨, ક્યુઆરટી – ૪, ચેતક કમાન્ડો – ૨, બીડીડીએસ ટીમ – ૫ સાથે પોલીસે સુરક્ષા ગોઠવી છે.