ઉથલપાથલની વચ્ચે સેંસેક્સ ફરી ઘટી જતા ભારે નિરાશા

469

શેરબજારમાં ભારે ઉથલપાથલ અને વેચવાલી વચ્ચે મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૮ પોઇન્ટ ઘટીને ૩૯૭૧૪ની નીચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઘટીને ૧૧૯૨૩ની સપાટી પર બંધ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ અને નિફ્ટી બંને ૦.૮ ટકાના ઉછાળાની સાથે બંધ રહ્યા હતા. આજે અનેક શેરમાં કડાકો બોલી ગયો હતો. શરૂઆતી કારોબારમાં સ્થિતી સારી રહી હતી. કારણ કે કારોબારની શરૂઆત થયા બાદ તરત જ સેંસેક્સે ૪૦ હજારની સપાટીને કુદાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ ૧૧૯૮૭ની સપાટી હાંસલ કરી હતી. જો કે છેલ્લે સુધી આ સ્થિતીને જાળવી રાખવામાં સેંસેક્સ અને નિફ્ટી બંને નિષ્ફળ રહ્યા હતા. અનેક શેરમાં વેચવાલી જામી હતી. ખાસ કરીને   બેંકિગ શેરમાં કડાકો બોલી ગયો હતો.  બીએસઈ સેંસેક્સ ગઇકાલે ગુરૂવારના દિવસે કારોબારના અંતે ૩૩૦ પોઇન્ટ ઉછળીને ૩૯૮૩૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૮૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧૯૪૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો.  જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આગામી મહિનામાં મળનાર મોનિટરી પોલિસી કમિટિમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે. ચાવીરુપ વ્યાજદરો અંગે નિર્ણય લેનાર એનપીસી દ્વારા ત્રીજી જૂનથી બેઠક યોજવામાં આવનાર છે. બજેટ ઉપરાંત શેરબજારમાં હવે મોનસુનની ચાલ, આરબીઆઈની પોલિસી સમીક્ષા, લિક્વિડીટી વધારવાના વિકલ્પો, ક્રૂડ ઓઇલની કિંમતો અને કારોબારીઓને વધુ રાહત આપવા સહિતના પાસાઓ ઉપર નજર રહેશે.  મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગતના લોકો હવે આરબીઆઇની બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બેઠકમાં જો વ્યાજદર ઘટશે તો લોન સસ્તી કરવામાં આવી શકે છે.જેથી લોકોને રાહત થશે. આજે શુક્રવારના દિવસે કારોબાર દરમિયાન યશ બેંક, આઇટીસી, વેદાન્તા, મહિન્દ્રા અને એનટીપીસીના શેરમાં સૌથી વધારે મંદી રહી હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઇન્ટ્રા ડે દરમિયાન ૭૦૦ પોઇન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. જો કે કારોબારના અંતે બીએસઇના ૩૦ શેર પૈકી ૧૯ શેર મંદીમાં રહ્યા હતા. બ્રોડર નિફ્ટીમાં પણ નિરાશા રહી હતી. શેરબજારમાં કેટલાક ઘટનાક્રમની અસર જોવા મળી રહી છે. રાહુલ ગાંધીને અમેઠી બેઠક પર પરાજિત કરી અપસેટ સર્જનાર સ્મૃતિ ઇરાનીને ટેક્સટાઇલ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન બનાવી દેવામાં  આવ્યા બાદ તેની ચર્ચા પણ બજારમાં જોવા મળી હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં ૫૨ સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી.  કોલ ઇન્ડિયાના શેરમાં આજે ચાર ટકા કરતા વધારે વધારો થયો હતો.શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહેવાની શક્યતા દેખાઇ રહી છે. કારણ કે વૈશ્વિક પરિબળોની અસર પણ જોવા મળી રહી છે. હવે મોનસુન અને આરબીઆઇની પોલીસી સમીક્ષા વચ્ચે કેટલાક સારા સંકેત બજારમાં જોવા મળી શકે છે.

Previous articleઅફઘાનને કચડી નાંખવા માટે ઓસ્ટ્રેલિયા સંપૂર્ણપણે સુસજ્જ
Next articleકયા મંત્રીને કયું ખાતુ ફાળવાયું..?