વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાઈ છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા સામે આવી છે. ત્યારે ડીઈઓ કચેરી દ્વારા આ સ્કૂલ સામે લાલ આંખ કરીને તરત પગલા લેવા સૂચન આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તરસાલી વિસ્તારમાં જીવન સંસ્કાર નામની શાળા આવેલી છે. આ શાળા છેલ્લા પાંચ વર્ષથી ધમધમી રહી છે, એ પણ વિદ્યાર્થીઓ વગર. સ્કૂલમાં માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓ બતાવવામાં આવતા હતા. પાંચ વર્ષથી ડીઈઓ કચેરીને અંધારામાં રાખીને આ શાળા શિક્ષણ વિભાગ પાસેથી મોટી રકમની ગ્રાન્ટ પડાવતી હતી. સમગ્ર મામલે ડીઈઓ કચેરીએ શાળાની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. જીવન સંસ્કાર શાળામાં એક પણ વિદ્યાર્થી આવતો ન હતો, તેમ છતાં શાળા ચલાવાતી હતી. ડીઈઓ કચેરી દ્વારા રિપોર્ટ તૈયાર કરી શાળાની નોંધણી રદ્દ કરવા શિક્ષણ બોર્ડને ભલામણ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે, શહેરમાં એક એવી સ્કૂલ ચાલે છે, જેમાં બાળકો આવતા જ નથી, તેવું શિક્ષણ વિભાગને માલૂમ ન જ હોય તેવુ કેવી રીતે બને. શું શિક્ષણ વિભાગ દ્વારા ઓનગ્રાઉન્ડ રિસર્ચની કોઈ જ કામગીરી કરવામાં આવતી નહિ હોય. જેથી એક સ્કૂલ સરકારની તિજોરીમાંથી મોટી રકમ મેળવી રહી છે.