પીએમ મોદીએ ગઈકાલે પોતાની સાથે શપથ લેનારા મંત્રીઓને ખાતાંની ફાળવણી કરી દીધી છે. અગાઉ અટકળો હતી તેમ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જ્યારે મોદીની પહેલી ટર્મમાં ગૃહ મંત્રાલય સંભાળી ચૂકેલા રાજનાથને સંરક્ષણ પ્રધાન બનાવાયા છે. ડૉ. હર્ષવર્ધનને ફરી આરોગ્ય મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે, જ્યારે પિયુષ ગોયલને રેલવે તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સોંપાયા છે.
૫૭ મંત્રીઓની કેબિનેટમાંથી ૧૮ મંત્રીઓ એવા છે, જે નવી સરકારમાં પણ જુના કામ કરશે. એટલે કે અમુક મંત્રીઓ પાસે અનેક મંત્રાલયોનાં પ્રભાર સોંપવામાં આવ્યા છે. પરંતુ તેમની પાસે એ મંત્રાલય પણ છે.જે મંત્રાલયમાં તેમણે ગત ટર્મમાં પણ કામ કરતા હતાં અથવા કર્યુ હતું.
કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા પ્રકાશ જાવડેકરને માહિતી અને પ્રસારણ તેમજ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સોંપવામાં આવ્યા છે. નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન તેમજ માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગના મંત્રી બનાવાયા છે. પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને પીએમ મોદીએ અગાઉથી અટકળો હતી તેમ વિદેશ મંત્રી બનાવ્યા છે. જયશંકરે ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.માનવ સંસાધન મંત્રાલયનો હવાલો રમેશ પોખરિયારને સોંપવામાં આવ્યો છે. સદાનંદ ગૌડાને કેમિકલ તેમજ ખાતર મંત્રાલય અપાયું છે. મુખ્તાર અબ્બાસ નકવીનું લઘુમતિ બાબતોનું મંત્રાલય જાળવી રખાયું છે. રામ વિલાસ પાસવાનને કન્ઝ્યુમર અફેર્સ, ફુડ તેમજ જાહેર વિતરણ મંત્રાલય અપાયું છે. નરેન્દ્રસિંહ તોમરને ખેતી, ગ્રામીણ વિકાસ તેમજ પંચાયતી રાજનો હવાલો અપાયો છે.અકાલી દળના નેતા અને એનડીએના સાથી હરસિમરત કૌર બાદલને ફુડ પ્રોસેસિંગ મંત્રીના પદે યથાવત રખાયા છે. થાવર ચંદ ગહલોતને સામાજીક ન્યાય મંત્રી બનાવાયા છે. અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવનારા સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ તેમજ કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનને પણ પેટ્રોલિયમ મંત્રીના પદે યથાવત રખાયા છે.
ગિરિરાજ સિંહને પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવાયા છે.
ગુજરાતના મનસુખ માંડવિયાને શિપિંગ તેમજ કેમિકલ અને ખાતર મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે રુપાલાને ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અપાયું છે. કિરણ રિજીજુને આ વખતે રમતગમત મંત્રાલય તેમજ લઘુમતિ બાબતોનો હવાલો અપાયો છે. પીએમ મોદીએ મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવન્સિસ અને પેન્શન, પરમાણુ ઊર્જા, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, દરેક મહત્વના પોલિસી ઈશ્યૂ તેમજ કોઈ મંત્રીને ન ફાળવવામાં આવ્યા હોય તેવા તમામ મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે.
મોદી મંત્રીમંડળમાં કુલ ૨૪ કેબિનેટ મંત્રી, ૦૯ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને ૨૪ રાજ્યમંત્રીઓને પદ અને ગોપનીયતાનાં શપથ લીધા હતા.
અરુણાચલ પશ્ચિમ સીટથી બે વાર સાંસદ રહેલા કિરણ રિજ્જૂને ઉર્જા રાજ્યમંત્રીથી વધારીને આ વખતે રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ગિરિરાજ સિંહને પણ કેબિનેટ મંત્રીના શપથ અપાવવામાં આવ્યા છે. ગઈ વખતે તેમને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. ગજેન્દ્ર સિંહ શેખાવતને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ગઈ વખતે તેમને રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. મહેન્દ્ર નાથ પાંડે કેબિનેટ મંત્રી બન્યા. તેમને પણ ગઈ વખચે રાજ્યમંત્રીનો સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો હતો.