વિદ્યાર્થીઓને એલસી આપી દેવાતાં વાલીઓનો હોબાળો

825

શહેરના ખોખરામાં વિસ્તારમાં આવેલી જય સોમનાથ સ્કૂલના સંચાલકોની દાદાગીરી આજે સામે આવતાં મામલો ગરમાયો હતો. શાળાના જ ધોરણ -૧૦માં ઓછા ટકા આવેલા વિદ્યાર્થીઓને આગળ ધોરણ-૧૧માં એડમીશન આપવાનો ઇન્કાર કરી ઉલ્ટાનું ૧૫ જેટલા વિદ્યાર્થીઓને અચાનક એલસી પકડાવી દેવાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. સ્કૂલ સત્તાવાળાઓના આ પ્રકારના મનસ્વી અને દાદાગીરભર્યા વલણને લઇ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પર ઉમટયા હતા અને ધરણાં-દેખાવો સાથે સ્કૂલ ખાતે જોરદાર હોબાળો મચાવ્યો હતો. જય સોમનાથ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શનને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. તો સ્થાનિક વિદ્યાર્થી સંગઠન પણ વાલીઓના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને સ્કૂલ સત્તાધીશોના મનસ્વી વલણને વખોડી કાઢયું હતું.

ખોખરાની જય સોમનાથ સ્કૂલે ધોરણ-૧૦માં ઓછા ટકાથી પાસ થયેલા બી-ગ્રેડના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં પ્રવેશ નહી આપતા  અને તેઓને એલસી પકડાવી દેતાં વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. આ વાતની જાણ તેમના વાલીઓને થતાં વાલીઓ પણ બગડયા હતા અને ભારે રોષ સાથે સ્કૂલ પર પહોંચ્યા હતા. વાલીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇ સ્કૂલ સત્તાધીશો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને શાળાની બહાર જ  વાટકા લઈ એડમિશન ભીખમાં આપો તેવા નારા લગાવ્યા હતા.

વાલીઓના વિરોધ અને હોબાળાને લઇ સમગ્ર વિવાદ ગરમાયો હતો. દરમ્યાન ખોખરા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે, જય સોમનાથ સ્કૂલમાં ધોરણ-૧થી ૧૦માં અભ્યાસ કર્યા બાદ ઓછા ટકા આવ્યા હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નથી.

અગાઉ સ્કૂલે વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને મેરિટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ વહેલા તે પહેલાના ધોરણે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો છે. જેથી એડમિશન ફૂલ થઈ ગયા છે તેવું સ્કૂલે જણાવ્યું હતું. સ્કૂલ સત્તાધીશો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે નહી અને એલસી પકડાવી દેવા તો ગેરવાજબી વાત કહી શકાય.

Previous articleમોદી સરકારમાં ‘શાહ’ ગૃહ પ્રધાનઃ રાજનાથસિંહ રક્ષામંત્રી
Next article૩૫૦ ક્લાસીસ સંચાલકની ફાયર NOC માટે અરજી