સુરત અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ફાયર એનઓસી લેવા માટે કડક તાકીદ કરી દીધી છે. એટલું જ નહી, ફાયર એનઓસી વગર ટ્યુશન ક્લાસીસ ચાલુ નહી કરવા અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ટયુશન કલાસીસ ચલાવતાં સંચાલકો ફાયર એનઓસી મેળવવા માટે દોડતા થઇ ગયા છે. અમદાવાદ શહેરમાંથી કુલ ૩૫૦ જેટલા ટ્યુશન કલાસીસ સંચાલકોએ ફાયર એનઓસી માટે જુદા-જુદા સિવિક સેન્ટરમાં અરજી કરી છે. ટ્યુશન સંચાલકો તરફથી ફાયર એનઓસીની અરજીઓ મળતા હવે ફાયર વિભાગના અધિકારીઓ આ તમામ ટ્યુશન ક્લાસીસના સંચાલકોના ત્યાં ફાયર સેફ્ટીને લઈ ઈન્સ્પેક્શન કરશે. ક્લાસીસની અંદર ફાયર સેફ્ટીની તપાસ કર્યા બાદ ચીફ ફાયર ઓફિસરને રિપોર્ટ કરવામાં આવશે.
અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસર એનઓસી આપશે. એનઓસી મેળવ્યા બાદ ટ્યુશન સંચાલકો પોતાના ક્લાસીસ શરૂ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ૨૦૦૦થી વધુ ટ્યુશન, કોચિંગ અને અન્ય ઈત્તર પ્રવૃતિઓના ક્લાસીસ ચાલે છે. તેમાંથી અત્યારે માત્ર ૩૫૦ ક્લાસીસ સંચાલકોએ અરજી કરી છે. અમ્યુકો તંત્ર અને ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા પણ ફાયર એનઓસી માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ટયુશન કલાસીસ સંચાલકોને શકય એટલી ઝડપથી એનઓસી પ્રાપ્ત થાય તેવું આયોજન કર્યું છે પરંતુ ટયુશન કલાસીસના સ્થળ ચકાસણી, ફાયરસેફ્ટીના સાધનોની સુુવિધા, લોકેશન પરના જોખમી પરિબળો અને સંભવિત જોખમો સહિતની બાબતોની ખરાઇ અને પૂરતી તપાસ બાદ જ એનઓસી આપવામાં આવશે.