બાઈક રાઈડિંગ ક્ષેત્રમાં વિશ્વ વિખ્યાત થઈ ચૂકેલી સૂરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ ફરી એક વખત ઐતિહાસિક સફર પર નીકળી રહી છે. સૂરતની આ ૩ યુવતીઓ તેમની યાત્રા ભારતની શરુ કરીને ૨૫થી વધુ દેશોનો પ્રવાસ ખેડીને ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પૂર્ણ કરશે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આ દરમિયાન આ ત્રણ બાઈકિંગ કવીન્સ પસાર કરશે. આ ઐતહાસિક બાઈક રેલીનું પ્રસ્થાન આગામી ૫મી જૂનના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી થશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આ રેલીને ફ્લેગઓફ કરાવશે.
બાઇકિંગ ક્વીન્સના ડો.સારિકા મહેતાની સાથે ૨૫ દેશની આ યાત્રામાં ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થીની ૠતાલી પટેલ જોડાશે. સમગ્ર યાત્રા અંગે ડો.સારિકા મહેતાએ જણાવ્યું હતું કે અમે કાશી વિશ્વનાથના આશીર્વાદથી યાત્રા શરુ કરીશું અને બીજા દિવસે અમે પશુપતિનાથ સુધી પહોંચીશું. અમે જે રૂટ ઉપરથી જવાના છીએ એ રૂટ ઉપર અમારાથી પહેલા કોઈ ભારતીય કોઈ પણ પ્રકારના વાહનમાં નથી ગયું. અમે હિમાલયની તળેટીથી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીની ઊંચાઈ ઉપર અને કીર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાનના રણ પ્રદેશમાં પણ બાઈક ઉપરથી પસાર થઈશું. એશિયા અને યુરોપના દેશની સાથે અમે આફ્રિકાના મોરક્કો પણ જવાના છીએ. ૨૫થી વધુ દેશ આ સફરમાં આવશે અને અમે આ દેશમાં આવેલી ભારતીય એલચી કચેરી કે હાઈકમિશ્નરને મળીશું, આ દેશમાં વસતા ભારતીય સમાજ અને બાઈકિંગ સાથે સંકળાયેલા લોકોની મુલાકાત કરીશું. ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી આ યાત્રા થઈ રહી છે.
જીનલ શાહ અને ૠતાલી પટેલની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય રાઇડિંગ છે. જીનલ જેનીશ શાહ ગૃહિણી છે અને બે બાળકોની માતા છે. ૠતાલી દિલીપ પટેલ બીસીએ ભણી છે અને હવે એમબીએ કરી રહી છે. ડો.સારિકા જીજ્ઞેશ મેહતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, સાથે એ પર્વતારોહી પણ છે, બે બાળકોની માતા છે.
ડો. સારિકા મેહતાએ જણાવ્યું હતું કે સ્ત્રી અસુરક્ષિત છે એ ગ્રંથિ તોડવા માટે અમે નીકળી રહ્યા છીએ. પડકારો અમારી સામે જ છે, ઊંચા પર્વતો, રણ, બરફ બધા જ પ્રકારના બદલાતા મૌસમની સાથે અમારે આગળ વધવાનું છે.
જીનલ શાહએ જણાવ્યું હતું કે, યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રૂબરૂ આમંત્રણ આપ્યું છે અને એમણે હાજર રહેવાની સંમતિ આપી છે. વારાણસી એટલા માટે કે અમારે ૬ જૂનએ નેપાળ પ્રવેશ કરવાનો છે સાથે જ અમેં પવિત્ર ગંગા, કાશી વિશ્વનાથના આશીર્વાદ લઈને આ કઠિન યાત્રા ઉપર નીકળીશું. ૠતાલી પટેલએ જણાવ્યું હતું કે આ યાત્રા માટે અમે ત્રણ બહુ ઉત્સાહિત છીએ, એ માટેની તૈયારી અમે એક વર્ષ પેહલાથી શરુ કરી દીધી છે. અલગ અલગ વાતાવરણમાં રેહવું પડશે, સ્થાનિક પાણી અને ભોજન લેવું પડશે કારણ આટલા દિવસનું ભોજન તો સાથે લઇ ન જવાય. અમે ત્રણે શુદ્ધ શાકાહારી છીએ એટલે ભોજનના પ્રશ્નો વધુ નડશે. ભારતના સ્વતંત્રતા દિવસ ૧૫મી ઓગસ્ટની ઉજવણી સ્પેનના બાર્સેલોનામાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને કરીશું.
બાઈકિંગ કવીન્સની અત્યાર સુધીની આ સૌથી લાંબી અને કઠિન યાત્રા છે, ભારત, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, લાઓસ, ચીન, કીર્ગીસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લટવીયા, લિથુનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ, બેલ્જીયમ, સ્પેન, મોરક્કો અને યુનાઇટેડ કિંગડમમાં આ યાત્રા પુરી થશે.