ઇંગ્લેન્ડ આ વખતે હોટફેવરીટ ટીમ તરીકે હોવાનો થયેલ દાવો

729

વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થયા બાદ જાણકાર ક્રિકેટ પંડિતો અને પૂર્વ સ્ટાર ખેલાડીઓ વર્લ્ડ કપમાં તાજ કોણ જીતશે તેને લઇને જુદી જુદી ગણતરી કરી રહ્યા છે. આ વખતે સૌથી પ્રબળ દાવેદાર તરીકે યજમાન ઇંગ્લેન્ડને ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમ આ વખતે સૌથી સંતુલિત અને પ્રબળ દાવેદાર ટીમ છે. વર્ષ ૨૦૧૧થી લઇને હજુ સુધી યજમાન ટીમ જ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે. આ વખતે ઇંગ્લેન્ડ આ પરંપરાને જાળવી રાખે છે કે કેમ તેના પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૧ અને વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં એક સમાનતા એ રહી છે કે આ બંને વખત યજમાન ટીમ વિજેતા રહી છે. ઇંગ્લેન્ડની ટીમ બેલેન્સ ટીમ તરીકે રહી છે. આંકડા પર નજર કરવામાં આવે તો ૨૦૧૫ના વર્લ્ડ કપ બાદથી ઇંગ્લેન્ડની ટીમ જોરદાર દેખાવ કરવામાં સફળ રહી છે. ઇંગ્લેન્ડે આ ગાળામાં ૮૮ મેચો રમી છે જે પૈકી ૫૮માં તેની જીત થઇ છે. ૨૩માં તેની હાર થઇ છે. આ સમયગાળા દરમિયાન કોઇ ટીમે આટલી મોટી સફળતા હાંસલ કરી નથી. આ આંકડા તેના સારા દેખાવની સાક્ષી પુરે છે. વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત ફેવરીટ ટીમ તરીકે છે. હાલમાં રેન્કિંગમાં પણ તે પ્રથમ સ્થાને છે. તેની મજબુત બેટિંગ લાઇનને મુખ્ય રીતે ગણી શકાય છે. ઇંગ્લેન્ડની ટીમમાં અંતિમ ઇલેવનમાં છેલ્લે સુધી એકા ખેલાડી છે જે બેટ સાથે પણ યોગદાન આપી શકે છે. ઇંગ્લેન્ડના રનના પીછો કરીને રેકોર્ડ પર નજર કરવામાં આવે તો છેલ્લી તમામ ૧૬ મેચમાં તેની જીત થઇ છે. રોય, રૂટ, જોસ બટલર, બેરશો, મોર્ગન અને બેન સ્ટોક્સ જેવા ધરખમ ખેલાડી આ ટીમમાં રહેલા છે.આ બેટ્‌સમેનો વિશ્વની કોઇ પણ બોલિંગ લાઇનને તોડી શકે છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮ બાદથી ઇંગ્લેન્ડે સૌથી વધારે ૧૪ વખત ૩૦૦થી વધારેનો જુમલો ખડક્યો છે. બોલિંગ લાઇનમાં કેટલીક નબળાઇ ચોક્કસપણે દેખાઇ આવે છે. ઇંગ્લેન્ડની ટીમમાં હાલમાં એવો કોઇ બોલર નથી જે મેચ પહેલા હરિફ છાવણીમા ભય ફેલાવી શકે છે.

તાજેતરમાં રમાયેલી શ્રેણીમાં પાકિસ્તાને ચાર પૈકી ત્રણ વખત ઇંગ્લેન્ડ સામે ૩૦૦થી વધારેનો સ્કોર કર્યો હતો. જે ઇંગ્લેન્ડના બોલરોની નબળાઇની સાબિતી આપે છે. વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ દેખાવની વાત કરવામાં આવે તો આ ટીમ ૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨માં રનર્સ અપ તરીકે રહી હતી. આ વખતે તેને ચેમ્પિયન બનવાની તક છે. સાથે સાથે હોમ ગ્રાઉન્ડ હોવાના લાભ પણ લઇ શકે છે. જેથી તે ફેવરીટ ટીમ તરીકે છે.

Previous articleવર્લ્ડ કપમાં દ. આફ્રિકા અને બાંગ્લા વચ્ચે જંગ થશે
Next articleટ્રેનમાં નેતાઓની મજાક કરી સોશ્યિલ મિડિયામાં ધૂમ મચાવતો અવિનાશની ધરપકડ