સુરતમાં તક્ષશીલા આર્કેડમાં બનેલી આગની ઘટનાએ આખા ગુજરાતને હચમચારી લીધું હતુ. સાથે સાથે તંત્રની ઉઘ હરામ કરી દીધી હતી. સુરતની આ ગોઝારી ઘટના બાદ માનવ અધિકારી કમિશને ગંભીર નોંધ લીધી છે અને માનવ અધિકારી આયોગે રાજ્ય પાસેથી રીપોર્ટ માંગ્યો છે. રાજ્યના તમામ જીલ્લા કલેક્ટર, પોલીસ વડા, પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નનરે પત્ર લખ્યો છે. પત્રમાં જાહેર બાંધકામ અને માસ ગેધરિંગવાળી ઉમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ એ અંગેનો રિપોર્ટ માંગ્યો છે.
આ ઉપરાંત પત્રમાં જણાવ્યું છે કે જો ફાયર સેફ્ટીની સુવિધા નથી તો કોની સામે શું પગલા ભર્યા એનો રિપોર્ટ મંગાવ્યો છે. સાથે સાથે આવી ઇમારતોમાં ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા આદેશ પણ આપ્યો છે. આ તમામ બાબતોનો રીપોર્ટ એક મહિના સુધીમાં મંગાવી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે ફાયર વિભાગના ૨ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે બે બિલ્ડિંગ માલિકો અને ટ્યૂશન ક્લાસના સંચાલક સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટ્યૂશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે બિલ્ડિંગના બિલ્ડરો ફરાર છે.
બિલ્ડર હસમુખ વેકરિયાને શોધવા માટે ક્રાઈમબ્રાન્ચ કામે લાગી છે. આ સમગ્ર મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સરવૈયાને સોંપવામાં આવી છે.