ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસે ભાટ ગામમાં સાબરમતી નદીના પટમાં દરોડો પાડી ૪૦૦ લીટર વોશ ઝડપી પાડયો હતો. જો કે બુટલેગર નાસી છુટવામાં સફળ રહયો હતો.
રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે તો નાના બુટલેગરો દ્વારા ભઠ્ઠીઓ ચાલુ કરીને દેશી દારૂ પણ બનાવાતો હોય છે ત્યારે જિલ્લામાં આ પ્રકારની પ્રવૃતિ બંધ કરવા અને બુટલેગરો સામે કડક હાથે કામ લેવા પોલીસ દોડધામ કરી રહી છે. શહેર નજીક આવેલા ભાટના સાબરમતી નદીના પટમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી. જેના પગલે ગઈકાલે સાંજે અડાલજ પોલીસે દરોડો પાડતાં બુટલેગર સરદારનગરનો રહેવાસી ભંવરસિંહ ગોકુલભાઈ માલાવત ભાગી છુટયો હતો. જો કે પોલીસે દેશી દારૂ બનાવવા માટેનો ૪૦૦ લીટર વોશ કબ્જે કર્યો હતો અને તેના સેમ્પલ મેળવી બાકીનો મુદ્દામાલનો નાશ કર્યો હતો