ગાંધીનગરના સિરિયલ કિલરની ગૂંથ્થી હજી ગાંધીનગર પોલીસ માટે કોયડા સમાન બની રહી છે, ત્યારે ગાંધીનગરમાં સીરિયલ કિલર મામલે કેસની તપાસ હવે સીઆઈડી ક્રાઈમ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસનું રહસ્ય ઉકેલવા માટે સીઆઈડી ક્રાઇમમાં એક એડીજીપી, ૨ એસ.પી., ૨ ડીવાયએસપી અને ૨ પીઆઈનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સિરિયલ કિલરને લઇને ૮ મહિના બાદ પણ સીટની ટીમ કિલરને શોધી શકી નથી. અગાઉ પણ સિરિયલ કિલરનું પગેરું કોઇ આપે તેના માટે રૂપિયા ૨ લાખનું ઈનામ જાહેર કરાયું હતું. પરંતુ તેમ છતાં કોઇ પગેરું મળ્યું નથી. તમને જણાવી દઇએ કે, ગાંધીનગરનાં દંતાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલિંગના કેસમાં આઠ મહિના થયા છતાં હજી આરોપી પકડથી દૂર છે. ત્યારે આ કેસની તપાસ ડીજીપી એ સીઆઈડી ક્રાઈમને સોંપી દીધી છે.
અગાઉ સિરિયલ કિલરને પકડવા માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં ૮ લોકોની સીટ બનાવાઈ હતી. જેને ૮ મહિનાનો સમય વીતવા છતાંપણ કંઇ હાથમાં આવ્યું નથી. જેથી ડીજીપીએ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી જલ્દીથી જલ્દી કેસ ઉકેલવા જણાવ્યું છે. મહત્વનું છે કે સીઆઈડી ના વડા આશિષ ભાટિયા, એડિજીપી અજય તોમર , એસપી વીરેન્દ્રસિંહ યાદવ, રાજેશ ગઢિયા અને પીઆઈ જે.ડી પુરોહિત સહિતની ટીમો કેસની તપાસ કરશે. ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરીયર કિલર ઓક્ટોબર મહિનામાં એક પછી એક એમ ત્રણ હત્યાઓ કરી હતી. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એક સીટની રચના કરી તપાસ આદરી હતી.પરંતુ કોઇ પગેરું મળ્યું નહોતું. પોલીસે ગાંધીનગરની હદમાં આવતા તમામ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરી હતીકો પણ આમાં કોઇ જ કડી મળી નહોતી. પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કર્યો હતો.