જુન મહિનાની આજે શરૂઆત થવાની સાથે જ ગેસ સિલિન્ડરની કિંમતમનાં વધુ વધારો થઇ ગયો છે. ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવતા સામાન્ય લોકો પર નજીવો બોજ ઝીંકાયો છે. સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત પહેલી જુનથી પ્રતિ સિલિન્ડર ૨૫ રૂપિયા વધી ગઇ છે. બીજી બાજુ સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત એક રૂપિયા ૨૩ પૈસા વધી ગઇ છે. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે દિલ્હીમાં આજથી સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૭ રૂપિયા થઇ ગઇ છે. જેની કિંમત મે મહિનામાં ૪૯૬ રૂપિયા હતી. નિષ્ણાંતોના કહેવા મુજબ આંતરરાષ્ટ્રીય તેલ કિંમતમાં હાલમાં વધારો થયો છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થયો છે. જેના કારણે કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. આ પહેલા પહેલી મેના દિવસે એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
એ વખતે સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પહેલી જુનના દિવસે ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની કિંમત ૪૯૫ રૂપિયા થઇ ગઇ હતી. હાલમાં મોદી સરકાર નવી અવધિમાં સત્તારૂઢ થઇ ગઇ છે. આજે ગેસ સિલિન્ડરમાં નજીવો વધારો થતા તેની જુદી જુદી પ્રતિક્રિયા આવી શકે છે. જો કે હાલમાં નવી સરકાર આવી હોવાથી તેને લઇને કોઇ ટિપ્પણી થનાર નથી. સબસિડીવાળા ગેસ સિલિન્ડર એક પરિવારને એક વર્ષમાં ૧૨ આપવામાં આવે છે. જ્યારે સબસિડીવગરના ગેસ સિલિન્ડર ૧૩માં સિલિન્ડરને ગણવામાં આવે છે.
સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી હુંડિયામણ દરના આધાર પર એલપીજી સિલિન્ડરની કિંમતો નક્કી કરવામાં આવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય દરમાં વધારો થાય છે ત્યારે સરકાર વધારે સબસિડી નક્કી કરે છે જ્યારે દરો નીચા હોય છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કેટલાક નિયમો મુજબ જીએસટીની ગણતરી ફ્યુઅલના બજાર મુલ્ય પર આધારિત રહે છે. નાના સ્થાનિક ગેસ સિલિન્ડર (પાંચ કિલો)ના સિલિન્ડરના ભાવ ૨૮૨.૫૦ રૂપિયા થઇ ગયા છે. હવે પાંચ કિલોવાળા સબસિડીના ગેસ સિલિન્ડર પર ગ્રાહકના ખાતામાં ૯૭.૬૨ રૂપિયાની સબસિડી જમા કરવામાં આવશે. ૧૪.૨ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત હવે ૭૭૧.૫૦ રૂપિયા થઇ ગઇ છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડર એટલે કે હોટલો અને અન્યત્ર ઉપયોગ કરવામાં આવતા સિલિન્ડરની કિંમત ૧૪૦૩.૫૦ રૂપિયા થઇ ગઇ છે.