કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીને આજે ફરી એકવાર સંસદીય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા પહેલા રાહુલ ગાંધીને બનાવવાની અટકળો ચાલી રહી હતી પરંતુ આ અટકળોનો આજે અંત આવ્યો હતો.
સોનિયા ગાંધીની ફરી પસંદગી કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામાની ઓફર રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી. રાહુલના રાજીનામાની ઓફર બાદ રાહુલને સંસદીય દળના નેતા બનાવવાની અટકળો ચાલી રહી હતી. જો કે, આજે આ અટકળોનો અંત આવ્યો હતો. સોનિયા ગાંધીની ફરી નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. કોંગ્રેસ સંસદીય દળના નેતા ચૂંટાઈ આવ્યા બાદ પાર્ટીના કાર્યકરોનો સોનિયા ગાંધીએ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કરનાર ૧૨.૧૩ કરોડ મતદારોનો તેઓ આભાર માને છે. રાહુલ ગાંધીએ પણ બેઠકને સંબોધન કર્યું હતું.
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં લોકસભામાં પાર્ટીની રણનીતિ પર ચર્ચા થઇ હતી. ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ સોનિયા ગાંધીએ ૩ પાનાનો પત્ર લખીને રાહુલ ગાંધીની પાર્ટી પ્રમુખ તરીકે પ્રશંસા કરી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, મુશ્કેલ સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીની જવાબદારી સંભાળી ચુકેલા નીડર થઇને રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતા સોનિયા ગાંધીએ ભાવનાશીલ પત્ર લખ્યો છે. રાહુલ દ્વારા પાર્ટી પ્રમુખ પદ છોડવાની ઓફર મામલે ત્રણ પાનાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલે નીડર થઇને ૨૦૧૯ની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સંભાળી હતી. અમે સંપૂર્ણપણેરીતે રાહુલ ગાંધીની પ્રશંસા કરીએ છીએ. એમ માનવામાં આવે છે કે, પાર્ટી પ્રમુખ પદ છોડવાની માંગ ઉપર રાહુલ મક્કમ છે ત્યારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીનું મનોબળ વધારવા માટે આ પત્ર લખ્યો છે. રાહુલે દિન રાત કોંગ્રેસ પાર્ટી પ્રત્યે સમર્પણ ભાવના સાથે કામ કર્યું હતું. રાહુલે દેશના જુદા જુદા ભાગોમાં પહોંચીને મોદી સરકાર સામે પ્રચાર કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી નથી. સોનિયાએ પત્રમાં એમ પણ કહ્યું છે કે, દેશની જનતાને વિપક્ષ સમક્ષ પણ કેટલાક મુદ્દા છે. આ તમામ મુદ્દાઓને મજબૂતરીતે ઉઠાવવામાં આવશે. સંખ્યાબળ નહીં હોવા છતાં અમે જનહિત સાથે જોડાયેલા મુદ્દાઓને જોરદારરીતે ઉઠાવીશું. તમામ સાંસદ પ્રજાની ઇચ્છાને જોરદારરીતે રજૂ કરે તે જરૂરી છે. તેમની માંગ મજબૂતી સાથે ઉઠાવવા સોનિયા ગાંધીએ અપીલ કરી હતી.