આ વિસ્તારમાં નાના બાળકો જ્યારે બીમાર થાય છે ત્યારે તેઓને ડામ આપી એટલે કે ગરમ સળિયા કે ચિપિયા વડે ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધા હજુ પણ લોકોમાં જોવા મળે છે.
૨૧મી ટેકનોલોજીની સદીમાં પણ હજુ લોકો અંધશ્રદ્ધા માં જીવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બનાસકાંઠામાં પણ નાના બીમાર બાળકોને ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધાના કારણે કેટલાય બાળકો વધુ બીમાર થઈ રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સામાજિક અને શૈક્ષણિક વિકાસ વધી રહ્યો છે, પરંતુ આજે પણ જુલ્લાનાં છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો અશિક્ષિત હોવાના કારણે હજુ પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં નાના બાળકો જ્યારે બીમાર થાય છે ત્યારે તેઓને ડામ આપી એટલે કે ગરમ સળિયા કે ચિપિયા વડે ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધા હજુ પણ લોકોમાં જોવા મળે છે.
ડીસાની હોસ્પિટલોમાં અત્યારે પણ મહિનામાં પંદરથી વીસ દર્દીઓ એવા આવે છે, જેના પરિવાર દ્વારા બીમાર બાળકોને શરીર પર ડામ આપવામાં આવતા હોય છે.
આ મામલે લોકોમાં જાગૃતિ આવે તે માટે તબીબો દ્વારા પણ અનેકવાર પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ લોકો હજુ સુધી અંધશ્રદ્ધામાંથી બહાર આવતા નથી અને નાના બાળકોને સામાન્ય તાવ, ખાંસી, ઉધરસ કે કોઈપણ પ્રકારની બીમારી થાય તો તેઓને સીધા જ ડામ અપાવવા માટે લઈ જાય છે.
બાળક ના દાદી પુરીબેન ઠાકોરે આ મુદ્દે જણાવ્યું કે, વિપુલને તાવ આવ્યો હતો, લોકોએ કીધું ટાઢા કરાવવા પડશે એટલે ડામ અપાયા. બીમાર હતો એટલે ગરમ ખીલી વડે ડામ આપ્યા, પણ સાજો ના થતા દવાખાને લઈને આવ્યા.
હાલમાં ડીસામાં ૧૦થી વધુ બાળકોની હોસ્પિટલો આવેલી છે અને આ હોસ્પિટલમાં મહિનામાં અંદાજે ૨૦થી પણ વધુ આવા શરીરે ડામ આપેલા બાળકો સારવાર માટે આવતા હોય છે, જેમને તેમના પરિવાર દ્વારા ડામ આપી સાજા કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ, મોટેભાગે ડામ આપ્યા બાદ આવા બાળકો વધુ બિમાર થતા હોય છે અને તેઓને હોસ્પિટલમાં દસથી પંદર દિવસ સુધી દાખલ રાખી સારવાર આપવામાં આવતી હોય છે. આ માટે તબીબો દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક વખતે આવા પરિવારોને સમજાવવામાં આવે છે પરંતુ હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં જીવતા હોવાથી આવા દર્દીઓની સંખ્યા વધી રહી છે.