કરાંચીથી ૧૬૦૦ કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ ભારતની સુરક્ષા એજન્સીની ચુંગાલમાં ફસાતા પહેલાં ૧૩૬ પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા. આ પેકટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં જારી મથામણ ચાલી રહી છે. ત્યારે દરિયામાં ફેંકાયેલા પેકેટોને શોધવા માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
સ્થાનિક પોલીસ, બીએસએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ક્રિક વિસ્તારના ૫થી ૭ કિમી વિસ્તારને વિભાજીત કરીને જોઈન્ટ સર્ચ ઓપરેશન કામગીરી સવારે સાડા ૬ વાગ્યાથી આરંભાયું છે. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલવાની ધારણા છે. સર્ચ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડ અને બીએસએફના જહાજોનો ઉપયોગ થઈ રહ્યો છે.ચોથા દિવસે પેકેટ મળવાનો સીલસીલો યથાવત રહ્યો હતો. શનિવારે બોર્ડર સિક્યોરીટી ફોર્સની ૧૦૮ બટાલીયનના જવાનોને કોટેશ્વર ક્રીક પાસેથી ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હતું. જોકે હજુ પેકેટ મળ્યા બાબતે નારાયણ સરોવર પોલીસે કોઇ નોંધ લખાવાઇ નથી અને બીએસએફનું ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ જારી છે.