સુરત અગ્નિકાંડમાં એફસએફલનો રિપોર્ટ રજૂઃ આગ આર્કેડની અંદરથી લાગી હતી

550

તક્ષશિલા અગ્નિકાંડમાં ગુનો નોંધ્યા બાદ ક્રાઇમ બ્રાંચે પાલિકાના અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જેમાં હવે ત્રણ અધિકારીઓ જયેશ સોલંકી, એચ.ડી. સિંગ અને પી.ડી. મુન્શીનો સમાવેશ થાય છે. ડીજીવીસીએલના સંબંધિત અધિકારીઓની પણ પૂછપરછ કરાશે. તો બિલ્ડર સવજી પાઘડાળ અને રવિન્દ્ર કહારને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. દરમિયાન તક્ષશિલા અગ્નિકાંડને લઈને એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. જેમાં તક્ષશિલા આર્કેડની અંદરથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચનાસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધી પાલિકાના કેતન પટેલ, બસંત પરિખ, એન.વી. ઉપાધ્યાય અને દેવેશ ગોહીલની પૂછપરછ કરાઇ છે. ફાયરના એસ.કે આચાર્ય અને કીર્તિ મોઢની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે ડીજીવીસીએલ તરફથી રિપોર્ટ મળી ચૂક્યો છે. જ્યારે આજે એફએસએલનો પણ રિપોર્ટ આવી ગયો છે. જેમાં તક્ષશિલા આર્કેડની અંદરથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ આપવામાં આવ્યું છે. સાથે સાથે એસીના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. અને આગ લાગ્યા બાદ ચોથા માળેથી નીચે ઉતરવાની કોઈ જગ્યા ન હોવાથી લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.અત્યાર સુધી ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બે બિલ્ડર હર્ષુલ વેકરિયા અને જિગ્નેશ પાઘડાળ, ફાયરના આચાર્ય અને મોઢની ધરપકડ કરી છે. જેમાંથી ભાર્ગવ, હર્ષુલ અને જિગ્નેશની પૂછપરછ પૂર્ણ થતાં ત્રણેયને કોર્ટ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

Previous articleઆજે શનિ જ્યંતિઃ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ
Next articleરાજનાથ આજે સિયાચીનમાં જશે