ભાવનગર તાલુકાના બુધેલ ખાતે આવેલ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.ધર્માંશુ કરસનભાઈ કિકાણી હોસ્પિટલના પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ફ્રી મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં હૃદય રોગ, સ્ત્રીરોગ, બાળરોગ, કાન નાક ગળા ના રોગ, હાડકા તથા સાંધા ના રોગ, ચામડીના રોગ, આંખના રોગ, તેમજ જનરલ તપાસ વગેરે જેવા રોગોની ભાવનગર તેમજ સુરતથી આવેલા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્યે સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે-સાથે આ કેમ્પમાં બ્લડ ડોનેશન તેમજ રુબેલા અને થેલેસેમિયાના રસીકરણ અને ટેસ્ટ ની મફત સુવિધા ઉભી કરાઇ હતી.જેનો ભાવનગર તેમજ આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી કિશોરભાઈ(કુમારભાઇ) કાનાણી ખાસ સુરતથી ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી યોગવિજયજી, શ્રીજી સ્વામી, ગંગામૈયા આશ્રમના મહંત રામપ્રિયદાસજી, જીવરાજભાઈ મોણપરા, ડો. કાનાણી સાહેબ, અમદાવાદના ડો. કૈરવીબેન જોશી, ડો. તાવિયાડ સાહેબ, રવજી દાદા તેમજ દાતા બેચરભાઈ પૂંજાણી વગેરે જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીએ હોસ્પિટલની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી સેવાકીય સંસ્થાઓ સિવિલ હોસ્પિટલ અને સરકારનો ભાર હળવો કરે છે તેમ કહી રાજ્ય સરકારના સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર ને ચરિતાર્થ કરતી આ સંસ્થાનો માનવ સેવામાં યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અને હર હંમેશ સંસ્થાને મદદ રૂપ થવા પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ સાચપરા દ્વારા કરવામાં આવ્યું હતું.