ભાવનગર, અમદાવાદ અને બોટાદ – એ ત્રણ જિલ્લાની ત્રિભેટે ભાલવિસ્તારમાં આવેલું આશરે ૪૫૦ વર્ષ જૂનું હિંગળાજ માતાનું મંદિર અનેક સમાજોની આસ્થાના પ્રતીક સમાન છે. ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો આ પવિત્ર સ્થળની મુલાકાત લેતા હોય છે. ત્યારે કાના તળાવથી હિંગળાજ માતાના મંદિર સુધીનો પાક્કો રસ્તો બનાવવાની શ્રદ્ધાળુઓની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્યના મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ તેમજ યાત્રાધામના રાજ્યકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું કે, આજનો દિવસ એ મહિલા સશક્તીકરણનો દિવસ છે. મા હિંગળાજના સાન્નિધ્યમાં મહિલા સાંસદ ડૉ. ભારતીબેન શ્યાળ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ વક્તુબેન મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ બચુબેન ગોહિલ સહિતનાં મહિલાઓની ઉપસ્થિતિમાં માતાજીના મંદિર સુધીના માર્ગનું ખાતમુહૂર્ત એ નારીશક્તિનું અનન્ય ઉદાહરણ છે.
મંત્રીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભાવનગર જિલ્લામાં થયેલા વિવિધ માર્ગોનાં કામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સમયગાળામાં જિલ્લામાં કુલ રૂ.૪૭૩૩૧.૭૯ લાખના ખર્ચે ૧૬૫૫.૧૮ કિમીના કામોને મંજૂરી અપાઈ છે. જેમાંથી માત્ર ભાવનગર તાલુકામાં કુલ રૂ. ૫૧૪૨.૩૯ લાખના ખર્ચે ૧૯૪.૪૯ કિમીનાં કામોને મંજૂરી આપવામાં આવી છે. કાના તળાવથી હિંગળાજ માતાના મંદિર સુધી ૧.૮૪ કરોડના ખર્ચે ૪.૫ કિમી લંબાઈનો આ માર્ગ બનતા ભાવિકો બારેમાસ માતાજીનાં દર્શને આવી શકશે.
આ તકે ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નવનિર્વાચિત સાંસદ ડૉ. ભારતીબેન શ્યાળે ભાલ વિસ્તારના આ અંતરિયાળ સ્થળ સુધી પાક્કો માર્ગ બનાવવાના કામમાં અંગત રસ લેવા બદલ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેને બિરદાવ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે આ ભાલ વિસ્તાર સૂકો ભઠ્ઠ હતો અને લોકોએ ખાબોચિયામાંથી ભરી-ભરીને પાણી પીવું પડતું હતું. પણ, હવે આ વિસ્તારનાં અનેક ગામોને સૌની યોજનાના કમાન્ડ એરિયામાં સમાવી લેવાયાં છે, જ્યારે બાકીનાં ગામોને પણ કમાન્ડ એરિયામાં સમાવી લેવામાં આવશે. જેના થકી આ વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યા હળવી થશે અને ભાલ વિસ્તાર લીલી નાઘેર બનવાનો આશાવાદ દર્શાવ્યો હતો.