ફાયર સેફ્ટી મામલે ક્લાસીસ સંચાલકોને ૭ દિવસનો સમય અપાયો

463

તાજેતરમાં સુરત શહેરમાં કોચીંગ ક્લાસમાં આગ લાગવાના બનાવ અનુસંધાને રાજકોટ શહેરમાં પણ કોચીંગ ક્લાસો, શાળા વિગેરેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જળવાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિસ્તૃત માર્ગદર્શન આપી ઉપસ્થિત સૌ કોઈની મૂંઝવણ દુર કરી હતી.

રૈયા રોડ પર સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કોચિંગ ક્લાસ અને હોસ્પિટલોના સંચાલકોને માર્ગદર્શન આપતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, આપણા વ્યવસાયમાં સૌની સેફ્ટી એ સર્વપ્રથમ અગ્રતા હોવી જોઈએ.

આપણા કોઇપણ સંકુલમાં ફાયર સેફ્ટી માટેના સાધનો અને સંકુલમાં કટોકટી વખતે ત્યાંથી ઝડપભેર સલામતરીતે બહાર આવી શકાય એ પ્રકારે એક્ઝીટની વ્યવસ્થા ખાસ હોવી જરૂરી છે.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા તમામ સંચાલકોની સાથે જ છે. સિસ્ટમ કોઈને પરેશાન કરવા ઇચ્છતી નથી. તમામ સંચાલકોને ફાયર એન.ઓ.સી. મેળવી લેવાની સૂચના આપતા કમિશનરે એમ પણ કહ્યું હતું કે, એન.ઓ.સી. મેળવવા માટે સંચાલકોએ શું શું કરવું ઘટે તેનું એક ચેકલીસ્ટ સૌને આપ્યું છે અને તેમાં દર્શાવેલ બાબતોની પૂર્તિ કરી આપવાથી તુર્ત જ તંત્ર દ્વારા સંચાલકોને એન.ઓ.સી. ઇસ્યુ કરી આપવામાં આવશે.

આ માટે સંચાલકોને ૭ દિવસનો સમય આપવામાં આવે છે.

ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવા તમામ સંકુલોની ચકાસણી કરવામાં આવશે અને જે સંકુલમાં આવશ્યકતા અનુસાર વ્યવસ્થા કરાયેલી નહી હોય તેને આખરે નાછૂટકે બંધ કરાવવામાં આવશે.

Previous article‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે યંગ સોશ્યલ ગ્રૂપ દ્વારા ‘વૃક્ષા રોપણ’
Next articleદુકાનદારને માર મારતા મોત નીપજ્યું, આઠ સામે ફરિયાદ નોંધાઈ