સુરત જિલ્લાના ચલથાણ ખાતે એક દુકાનદારને સાતથી આઠ જેટલા યુવાનો દ્વારા માર મારવામાં આવતા મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મૃતકના પરિવારના કહેવા આધારે પોલીસે આઠ યુવાનો સામે ફરિયાદ દાખલ કરી છે.
ચલથાણમાં આવેલી રામકબીર સોસાયટીમાં મૂળ રાજસ્થાનના દલપતસિંહ ભુરસિંગ(ઉ.વ.૫૧) રહેતા હતા. અને નજીકમાં આવેલા રાજ કોમ્પલેક્ષમાં માતેશ્વરી ફુટવેર નામની દુકાન ચલાવતા હતા. રોજ દુકાન બહાર યુવાનો બેસી રહેતા હતા.
રાત્રે દુકાન બહાર બેસતા યુવાનો સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. અને બોલાચાલી થઈ હતી. જેથી યુવાનોએ અન્ય યુવાનોને બોલાવી લીધા હતા. ત્યારબાદ આઠ જેટલા યુવાનોએ દુકાનમાં તોડફોડ કરી દુકાનદાર દલપતસિંહને ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો.
જેથી દલપતસિંહ બેભાન થઈ ગયા હતા. અને યુવાનો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
દુકાનદારને બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને પરિવાર સહિત આસપાસના દુકાનદારોના નિવેદન લીધા હતા. ત્યારબાદ આઠ સામે ફરિયાદ નોંધી હતી. અને બે યુવાનોને પકડી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દુકાનદારનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.