ગુ. હ. સંઘવી બી.એડ.કોલેજના પીએચ.ડી. (શિક્ષણ)ના વિદ્યાર્થી ભૂત અરવિંદભાઇ જે. (આચાર્ય બી.એન.વિરાણી હાઇસ્કૂલ) દ્વારા પ્રિ.ડા.મનહરભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ નિમ્ન પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમની અસરકારકતા વિષયક મહાશોધ નિબંધ રજૂ કરીને મ.કૃ.ભાવનગર યુનિ.માં પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે.
પ્રજ્ઞા અભિગમ : વિદ્યાર્થીઓના જૂથમાં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન મેળવવાના આ અભિગમમાં અધ્યયન સામગ્રીના નિર્માણ અને ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ સહપાઠી શિક્ષણ વડે પોતાની ગતિ-ક્ષમતા અનુસાર આનંદદાયી શિક્ષણ મેળવે છે. આ રીતે મેળવેલ શિક્ષણનું વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મૂલ્યાંકન કરે છે. આ અભિગમની શૈક્ષણિક પ્રક્રિયા ભાર વગરના ભણતર સાથે સંકળાયેલી છે. પ્રસ્તુત સંશોધન અંગે : અભ્યાસકે ભાવનગર જિલ્લાની નિમ્ન પ્રાથમિક (ધો.૧ થી ૫) એવી સરકારી શાળાઓમાંથી ૨૨૫ શાળાઓના ૨૭૭ શિક્ષકો અને ૧૯૭ શિક્ષિકાઓ મળીને કુલ ૪૭૪ પાત્રો પાસે પ્રજ્ઞા અભિગમ અસરકારકતા માપદંડ અને પ્રજ્ઞા અભિગમ પ્રત્યેના વલણ માપદંડમાં પ્રતિચારો મેળવ્યા હતા.
અભ્યાસના આધારે : પ્રજ્ઞા અભિગમ સંદર્ભે ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની પ્રજ્ઞા અભિગમની અસરકારકતા ૫૮.૮૪ ટકા હતી. જ્યારે તે પ્રત્યેનું તેમનું વલણ ૫૮.૮૧ ટકા હતું. જેમાં શિક્ષકોની જાતિયતાની અસર જોવા મળી ન હતી.
૧. પ્રસ્તુત અભ્યાસથી ભાવનગર જિલ્લાની નિમ્ન પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમની અસરકારકતાની માત્રા સારી જણાઇ હતી. જ્યારે વલણની માત્રા પણ સારી જોવા મળી હતી. ૨. શિક્ષકોમાં પ્રજ્ઞા અભિગમને વધુ અસરકારક બનાવવા માટે તેમજ તે પ્રત્યેેનું શિક્ષકોનું વલણ વધુ સારૂં બનાવવા માટે શિક્ષણ ખાતુ, શાળા સંચાલન, શિક્ષકો અને કાર્યક્રમ સંચાલકે પ્રયત્નો કરવા જોઇએ તે માટેની તાલીમ આપવી જોઇએ. ૩. પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણથી પ્રત્યેક બાળક પોતાની ગતિ મુજબ શિક્ષણ મેળવી શકે છે. તેને ભાર વગરના પ્રવૃત્તિલક્ષી, આનંદદાયી શિક્ષણની તક પ્રાપ્ત થાય છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવી તેની ક્ષમતા વિકસિત કરે છે. પોતે જરૂરી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા કે નહિં તેનું મૂલ્યાંકન જાતે કરે છે. પોતાના શિક્ષણકાર્ય અને સાધન સામગ્રી તથા પદ્ધતિઓનું સ્વયં સંચાલન કરે છે. શિક્ષણ માટેની સામગ્રી પોતે તૈયાર કરે છે. એકબીજાના સહયોગથી જૂથમોં શિક્ષણ મેળવે છે. વિવિધ સ્તરના બાળકોને શીખવા માટેની સમાન તક મળે, ક્રમિક શીખવાની પ્રક્રિયાના પ્રત્યેક તબક્કે થતું શિક્ષણ વાલી, શિક્ષક અને વિદ્યાર્થી પોતે જાણી શકે છે.