સ્વચ્છતા એ મહિલાની સુરક્ષા ગરિમા અને આત્મસન્માન સાથે જોડાયેલ મહત્વનું અંગ છે. સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત મહિલાઓની સ્વચ્છતાલક્ષી જરૂરિયાતોનો ખાસ ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વર્ષ ૨૦૧૪ પછી સ્વચ્છતાના મુદ્દા પર મહિલાઓએ મહત્વની ભાગીદારી નોંધાવીને તેમનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે. આ સંદર્ભે ૨૦૧૪ થી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી મહિલાઓની અંગત સ્વચ્છતા એવી માસિક ધર્મ ચક્ર અને સ્વચ્છતા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૮મી મે ના રોજ વિશ્વ માસિક ધર્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડીયા તથા જીએચસી એલ ફાઉન્ડેશન વિકટરના સંયુક્ત ઉપક્રમે વિકટર ખાતે ૨૮મી મેના રોજ વિશ્વ માસિક ધર્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માસિક ધર્મ પ્રત્યે આપણા સમાજમાં રહેલ ચુપ્પી, ગેરમાન્યતાઓ અને સુગ દૂર થાય અને મહિલાઓ અને કિશોરીઓમાં માસિક ધર્મ અંગે જાગરૂકતા ફેલાય અને તેમની પરંપરાગત ટેવોમાં બદલાવ આવે તેવાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજુલાના ગાયનેક ડા.સુનિતા કાતરીયા તથા ચેતના સંસ્થાના કાજલ બોરડ, દ્વારા મહત્વની માહિતીની આપ-લે કરવામાં આવી હતી. તેમજ માસિક ધર્મ અંગેની સમસ્યા અને સમાધાન અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વિકટર ગામના મહિલા સરપંચ પરિતાબેન મકવાણાએ ખાસ હાજરી આપેલી તેમજ વિકટર, જોલાપુર, કથીવદર પરા, પીપાવાવ ધામ અને નિંગાલા ગામની ૨૦૦ જેટલી બહેનોએ પોતાની સહભાગિતા નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાહ ઇન્ડીયાના મનિષા જાદવ અને ઇલ્યાસ તુવર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જી.એચ.સી.એલ.નાં મેનેજર રમેશભાઇ મકવાણા, ડા.રવિ સોલંકી, હિતેશ મકવાણા, વનિતાબેન, દિપ્તીબેન અને જીવાભાઇએ ખાસ હાજરી આપી હતી.