વિશ્વ પર્યાવરણ દિવસનાં એક દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકાએ એક પર્યાવરણને બચાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનાં વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે અને એ રીતે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને અટકાવવામાં એક મહત્વનો નિર્ણય લીધો છે.
મ્યુનિસિપલ કમિશ્નર બંધાનિધિ પાનીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકને કારણે શહેરનાં નાળાઓ ચોક થઇ જાય છે. ચોમાસાનાં સમયમાં વરસાદી પાણીનાં નિકાલમાં અડચણરૂપ થાય છે. કેમ કે, પ્લાસ્ટિકની વસ્તુઓ ગટરોમાં ભરાઇ રહે છે. વરસાદી પ્રવાહને રોકે છે. પ્લાસ્ટિકને કારણે હવાનું પ્રદૂષણ થયા છે. કેમ કે, લોકો તેને સળગાવે છે. ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં સર્વે પ્રકારની પ્લાસ્ટિકની કોથળીઓ (કેરી બેગ), પ્લાસ્ટિલની ફૂલદાનીઓ, ખાણી-પીણીમાં વપરાતી પ્લાસ્ટિકની ડીશો, વાટકા, ચમચી, થર્મોકોલનાં કપ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, (૨૦૦ એમ.એલ), પ્લાસ્ટિકનાં ઝંડા, પ્લાસ્ટિકનાં ફોલ્ડર્સ વગેરેનો સમાવેશ થાય છે.