ફાયર સેફ્ટીના મામલે ટ્યુશન ક્લાસિસને હાલમાં તાળા મારી દેવામાં આવ્યા છે. ત્યારે ભોંયરામાં કે રહેણાંક વિસ્તારમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને કોઇ કાળે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહી. ટ્યુશન ક્લાસિસના એક ક્લાસમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તો તેવા ક્લાસમાં બે દરવાજા અને ચાર બારીઓ ફરજિયાત હોવી જોઇએ સહિતના નિયમો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું છે. શહેરમા હાલ રહેણાંક વિસ્તારમાં ૪૦ અને કોમર્શિયલમાં ૮૦ ક્લાસીસ ચાલી રહ્યા છે.
ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી ટ્યુશન ક્લાસિસને સીલ મારી દેવાયા છે. ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણ પત્ર લેવા માટે ક્લાસિસએ અરજીઓ કરી દીધી છે. જોકે આગામી માસમાં શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા આવતી હોવાથી વચગાળાનો રસ્તો કાઢવાની વાલીઓ અને ક્લાસીસના સંચાલકોએ માંગણી કરી છે. ક્લાસીસમાં કેવી ફાયર સેફ્ટી જોઇએ તે અંગે ફાયર ઓફિસર મહેશ મોડે જણાવ્યું કે સરકાર માન્ય ઇલેકટ્રીશ્યન કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર હોવું જોઇએ. ભોંયરામાં તેમજ રહેણાંક વિસ્તારમાં ચાલતા ટ્યુશન ક્લાસીસને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મળશે નહી. ટ્યુશન ક્લાસીસો ઉપર લગાવેલા ફ્લેક્સ બેનરોને ફરજિયાત દુર કરવાના રહેશે. ક્લાસીસમાં રોલીંગ શટર કાઢીને તેની જગ્યાએ દરવાજો રાખવાનો રહેશે. ક્લાસિસમાં ફાયરના તમામ સાધનો હોવા જોઇએ તેમજ સાધનોને કેવી રીતે ઓપરેટ કરી શકાય તેની તાલીમ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કર્મચારીઓને આપવી. એક્ઝીટ સીડી દોઢ થી બે મીટર પહોળી હોવી જોઇએ. કોમર્શિયલ વિસ્તારમાં ચાલતા હોય અને નિયત નિયમોનું પાલન થતું હોય તેવા ક્લાસીસને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર અપાશે. રહેણાંક વિસ્તાર અને ભોંયરામાં ચાલતા ટ્યુશન ક્લાસીસોને ફાયર એનઓસી નહી મળે તેવો તંત્ર દ્વારા નિર્ણય થતા શહેરમા તે અંગે હાલ તપાસ શરૂ કરી દેવાઈ છે. સ્વર્ણિમ પાર્કમાં રવિવારે રાત્રે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ટ્યુશન ક્લાસીસના સંચાલકોની એક મિટીંગ યોજાઇ હતી. જેમાં ફાયર ઓફિસરે ફાયર સેફ્ટી મામલે કેવા પ્રકારની તકેદારી રાખવી તેની જાણકારી આપી હતી.જેમા શહેરમા રહેણાંક તેમજ ભોયરામા જો ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે તો તેવા કલાસને ફાયર એનઓસી આપવામા નહિ આવે તેમ જણાવાયુ હતુ. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં કેટલા ક્લાસિસો હશે તે અંગે ફાયર ઓફિસર મહેશ મોડને પૂછતા તેમણે જણાવ્યું કે કોઇ ગણતરી કરી નથી. પરંતુ અંદાજે ૪૦ જેટલા લાયબ્રેરી અને ટ્યુશન ક્લાસિસ રહેણાંક વિસ્તારમાં હશે. જ્યારે કોમર્શિયલ વિસ્તારમાં અંદાજે ૮૦ જેટલા લાઈબ્રેરી અને ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હોવાનો અંદાજ છે.