શહેરી તેમજ આસપાસના વિસ્તારોમાં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી દેવામાં આવ્યું

590

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે સૌથી હરીયાળા પાટનગર ગાંધીનગરમાં પણ હરીયાળીનું નિકંદન કરીને વિકાસની આંધળી દોટ મુકવામાં આવી રહી છે. જેના કારણે ગાંધીનગર શહેરમાં વૃક્ષોની સંખ્યા લગભગ અડધા જેટલી થઇ ગઇ છે. જેના કારણે શહેરના વાતાવરણ અને પર્યાવરણ ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે.

ગ્રીન સીટી નહીં રહેતાં હવે ગાંધીનગર હોટ સીટી બની ગયું છે. એટલું જ નહીં ગાંધીનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. તો બીજી બાજુ ગાંધીનગર જિલ્લાના ગામોમાં વૃક્ષો વધ્યા હોવાનું વન વિભાગના આંકડા કહી રહ્યાં છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હેક્ટર દીઠ હાલ ૬૨ વૃક્ષો છે.

સમગ્ર દેશનું એક વખતનું ગ્રીનસીટી કહેવાતું ગાંધીનગર હવે ધીમે ધીમે હરીયાળી ગુમાવવાના કારણે આ ગ્રીનસીટીનું સન્માન પણ ગુમાવી રહ્યું છે.

વિવિધ વિકાસના કામો અને રસ્તા પહોળા કરવાના કારણે ગાંધીનગર શહેરી તેમજ આસપાસના વિસ્તારોમાં હજારો વૃક્ષોનું નિકંદન કાઢી દેવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીનગરની હરીયાળી લગભગ અડધી જેટલી જઇ ગઇ છે. જેની સીધી અસર નગરના વાતાવરણ ઉપર પણ પડી રહી છે. ગ્રીનસીટી નહીં રહેતાં હવે ગાંધીનગરમાં અસહ્ય ગરમી અને ઠંડી પડે છે.

જે નગરજનોને સહન કરવી પડે છે. ગાંધીનગરમાં વૃક્ષો કાપવાની આડેધડ મંજુરી આપી દેવાના કારણે પર્યાવરણ પણ તેની વિપરીત અસર પડી છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં એક અંદાજ પ્રમાણે પાંચ થી છ લાખ વૃક્ષો જ રહ્યા છે. જ્યારે પેથાપુર નગરપાલિકા વિસ્તારમાં બે થી અઢી લાખ વૃક્ષો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. તો માણસા અને દહેગામમાં દસ હજાર તથા કલોલમાં ૬૧ હજાર જેટલા વૃક્ષો વન વિભાગ સિવાયની જગ્યામાં હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે.

નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં વૃક્ષો ઘટયાં છે તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો વધ્યાં છે. ગાંધીનગર જિલ્લામાં વન વિસ્તારની બહાર વર્ષ ૨૦૦૩માં પ્રતિહેક્ટર ૫૭.૬૯ વૃક્ષો પ્રમાણે કુલ ૧.૨૩ કરોડ વૃક્ષ હતાં. જ્યારે ૨૦૦૮ની ગણતરી પ્રમાણે તેમાં વધારો થયો હતો અને પ્રતિહેક્ટર ૫૮.૨૫ પ્રમાણે ૧૨.૪૮ કરોડ વૃક્ષો નોંધાયા હતા. ૨૦૧૩ની ગણતરીમાં નોંધપાત્ર વધારો થયો હતો અને ૧૩.૩૮ કરોડ વૃક્ષો પ્રતિહેક્ટર ૬૩.૨૬ પ્રમાણે નોંધાયાં હતાં.

જ્યારે ૨૦૧૭માં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો હતો અને આ ગણતરી પ્રમાણે વન વિબાગની જમીન બહાર જિલ્લામાં ૧૨.૮૦ કરોડ વૃક્ષો નોંધાયાં હતાં. પ્રતિહેક્ટર ૬૨.૭૪ વૃક્ષો હોવાનો છેલ્લી ગણતરી પ્રમાણે વન વિભાગે અંદાજ કાઢ્યો છે. વર્ષ ૨૦૧૭માં થયેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૩ કરતાં વૃક્ષો ઘટયાં છે. તેમ છતાં ગાંધીનગર જિલ્લો આણંદ અને વલસાડ બાદ વસતી ગીચતાની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે છે. વર્ષ ૨૦૧૭ ની ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં વન આરક્ષિત વિસ્તાર બહાર ૧૨.૮૦ કરોડ વૃક્ષો હોવાનો અંદાજ છે.

ગુજરાતમાં વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે જંગલ બહારની મહેસુલની જગ્યામાં વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે. રેન્ડમલી કરવામાં આવતી આ ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૦૩માં વન વિભાગ સિવાયની જમીન ઉપર કુલ ૧૨.૩૫ કરોડ વૃક્ષો હતો. જે ૨૦૦૮માં વધીને ૧૨.૪૮ કરોડ થયાં હતાં. જ્યારે ૨૦૧૩ની ગણતરીમાં નાના વૃક્ષોનો સમાવેશ કરતાં આ સંખ્યા વધી ગઇ હતી અને ૧૩.૩૮ કરોડ વૃક્ષો જિલ્લામાં હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું.

ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ગણતરી કરવામાં આવી હતી. નોન ફોરેસ્ટ એરિયામાં કરવામાં આવેલી આ ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં પ્રતિહેક્ટર ૬૨.૭૪ વૃક્ષો નોંધાયા હતા. આ ગણતરી પ્રમાણે જિલ્લામાં ૧૨.૮૦ કરોડ વૃક્ષો વન વિભાગના ચોપડે નોંધાયા છે. વૃક્ષની ગીચતા ઉપર નજર કરીએ તો આણંદ જિલ્લામાં સૌથી વધારે પ્રતિહેક્ટર ૬૮.૧૬ વૃક્ષો છે. જ્યારે વલસાડમાં ૬૩.૯૪ વૃક્ષો છે. આમ ગાંધીનગર જિલ્લો આણંદ અને વસલાડ બાદ ત્રીજા ક્રમે છે.

Previous articleગિરિરાજસિંહ જેવા લોકો મીડિયામાં રહેવા માટે આ પ્રકારના નિવેદન આપે છેઃ નીતિશ
Next articleએક પોલીસ કર્મચારી તથા બે શખ્સો દારૂની હેરાફેરી કરતા ઝડપાયા