વૃદ્ધનો ભોગ લેનાર ગાયના માલિક સામે આખરે ગુનો નોંધાયો

740

વિનોબા ભાવેનગરમાં થોડા દિવસ પહેલાં એક વીફરેલી ગાયે વૃદ્ધ ગોપીનાથ તિવારીને અડફેટમાં લેતાં તેમનું મોત નીપજ્યું હતું, જે મામલે વટવા જીઆઇડીસી પોલીસે રસ્તા પર ગાયને છૂટી મૂકનાર પશુપાલક મફાભાઇ ભરવાડ સામે આઇપીસી ૩૦૪(એ) મુજબ સાપરાધ મનુષ્ય વધની કલમ લગાડીને ગુનો નોંધ્યો છે.

વિનોબા ભાવેનગરમાં એક વૃદ્ધને ગાયે અડફેટમાં લેતાં તેમનું મોત નીપજ્યું હતું. આવી ઘટનાઓ વધતાં કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરાઇ છે. અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરના મામલે એએમસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, સાથે-સાથે હવે પોલીસે પણ કડક હાથે કાર્યવાહી શરૂ કરતાં રસ્તા પર ઢોર છૂટાં મૂકતા પશુપાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ કરી છે.

ત્યારે એક મહિના બાદ વટવા જીઆઇડીસી પોલીસે ગોપીનાથ તિવારીને જે ગાયે શિંગડું મારીને તેમનું મોત નીપજાવ્યું હતું. તેની ફરિયાદ પણ નોંધાઈ હતી, જે ફરિયાદના આધાર તપાસ કરતાં પશુપાલક વિનોબા ભાવેનગરમાં રહેતા મફાભાઇ ભરવાડની તે ગાય હોવાનું જાણવા મળતાં તેની સામે જાહેર રોડ પર બેદરકારી રાખીને છૂટી ગાય મૂકવા  બદલ પોલીસે આઇપીસી ૩૦૪ (એ) મુજબ  સાપરાધ મનુષ્ય વધની કલમનો ગુનો નોંધ્યો છે. વિનોબા ભાવેનગરમાં રહેતા ગોપીનાથ રામપ્યારે તિવારી (ઉં.વ.૬૦)ને ૧૦ મેના રોજ રાતના ૯.૩૦ વાગ્યે બસ સ્ટેન્ડ પાસે ગાયે શિંગડું મારી ઉછાળીને તેમની છાતી પર પગ મૂકી દીધો હતો. ગોપીનાથને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. દીકરી અને જમાઈ વતનમાં જતાં હોવાથી  ગોપીનાથ તિવારી રાત્રે પુત્ર સંતોષ, પુત્રવધૂ તુલસી, બે પૌત્ર સાથે તેમને મૂકવા માટે બસ સ્ટેન્ડ ગયા હતા. શેરડીનો રસ પીવા માટે પરિવારજનો ઊભાં હતાં તે દરમિયાન નાનો પુત્ર એકદમ હાથ છોડાવીને દોડ્‌યો હતો. દોડતા પૌત્રને બચાવવા માટે ગોપીનાથ તેના તરફ દોડ્‌યા તે સમયે ત્યાં બેઠેલી ગાય ઊભી થઈ હતી. ગાયે અચાનક ગોપીનાથને પાછળથી શિંગડું મારીને નીચે પટક્યા અને તેમના પર પગ મૂક્યો હતો. પુત્ર પિતાને બચાવવા ગયો તો ગાયે તેને પણ ભેટું માર્યું હતું. આ ઘટનામાં ગંભીર ઈજા થતાં તેઓ મોતને ભેટ્યા હતા.

Previous articleહિંમતનગર પોલીસ હેડ ક્વાટર્સમાંથી ૨૦૦થી વધુ ચંદનના ઝાડનું લાકડું ગાયબ
Next articleશહેરમાં ૮ વર્ષના બાળકે  ૨૯ રોઝા પૂર્ણ કરી અલ્લાહની બંદગી કરી