તીવ્ર વેચવાલીની વચ્ચે સેંસેક્સ ૫૫૩ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો

470

શેરબજારમાં આજે જોરદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રિઝર્વ બેંક દ્વારા દેશના આર્થિક વિકાસદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ મુડીરોકાણકારો નિરાશ દેખાયા હતા અને શેરબજારમાં વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. મુંબઈ સ્ટોક એક્સચેંજમાં ૩૧ શેર ઇન્ડેક્સ સેંસેક્સ ૫૫૩ પોઇન્ટ ઘટીને ૩૯૫૩૦ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૮ પોઇન્ટ ઘટીને ૧૧૮૪૪ની સપાટીએ રહ્યો હતો. શેરબજાર બંધ થવાના સમયે સેંસેક્સમાં ૩૧ શેર પૈકી માત્ર આઠ શેરમાં તેજી રહી શકી હતી જ્યારે ૨૩ શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આવી જ રીતે નિફ્ટીના ૫૦ શેર પૈકી માત્ર ૧૪ શેરમાં ભાવ વધ્યા હતા. ૩૬ શેરમાં વેચવાલી જોવા મળી હતી. સેંસેક્સના જે આઠ શેરમાં આજે તેજી રહી હતી તેમાં કોલ ઇન્ડિયામાં ૧.૯૨ ટકા, પાવરગ્રીડમાં ૧.૨૭, હિન્દુસ્તાન યુનિલીવરમાં ૧.૧૩ ટકા, હિરોમોટોમાં ૦.૯૪ ટકા, એનટીપીસીમાં ૦.૭૪ ટકા, ઇન્ફોસીસમાં ૦.૪૪ ટકા તેજી રહી હતી જ્યારે તાતા સ્ટીલમાં ૨.૫૪ ટકાનો કડાકો બોલી ગયો હતો. ઇન્ડસ બેંકના શેરમાં ૬.૫૭ ટકા અને યશ બેંકના શેરમાં ૬.૧૫ ટકાનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટીની વાત કરવામાં આવે તો અહીં મજબૂત રહેનાર શેરમાં કોલ ઇન્ડિયામાં ૨.૯૬ ટકા, ટાઈટનમાં ૧.૭૬ ટકા, યુપીએલમાં ૦.૪૦ ટકાની તેજી જોવા મળી હતી. અફડાતફડીના દોર વચ્ચે આજે શેરબજારમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં ઘટાડાની સ્થિતિ એ રહી હતી કે, નિફ્ટીના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ મંદીમાં રહ્યા હતા. સૌથી વધુ ઘટાડો નિફ્ટી પીએસયુ બેંકમાં ૪.૯૦ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી બેંકમાં ૨.૩૨ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં ૨.૨૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિઝર્વ બેંકે પોતાની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં જીડીપી વૃદ્ધિદરનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને સાત ટકા કરી દીધો છે. સાથે સાથે રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરી દીધો હતો. આ તમામ પરિબળોની અસર આજે જોવા મળી હતી. ફાઈનાન્સિયલ શેરોમાં સૌથી વધારે મુશ્કેલી રહી હતી. ૨૦૧૯માં બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો આજે રહ્યો હતો. ફાઈનાન્સિયલ અને બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. અન્ય મોટા પરિબળોમાં જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડવાની બાબત, લિક્વિડીટીના મુદ્દાનો સમાવેશ થાય છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૬૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૩૧ અને બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં સપાટી ૨૩૮ પોઇન્ટ ઘટીને ૧૪૬૭૩ રહી હતી. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં ૧૫.૮૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ પાંચ વર્ષની નીચી સપાટીએ તેના શેરની કિંમત પહોંચી હતી. ૨૩મી ડિસેમ્બર ૨૦૧૩ બાદથી આ શેરની કિંમત સૌથી નીચી સપાટીએ પહોંચી છે. વેચવાલીનો માહોલ આજે જોરદાર રહ્યો હતો. ગેલ ઇન્ડિયાના શેરમાં ૧૧ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. આ શેરમાં પણ ૨૬મી ફેબ્રુઆરી બાદથી સૌથી નીચી સપાટી જોવા મળી હતી. અનેક શેરમાં આજે બાવન સપ્તાહની નીચી સપાટી જોવા મળતા આજે જોરદાર ખળભળાટ જોવા મળ્યો હતો.

Previous articleસલમાન ખાનની ફિલ્મની પ્રથમ દિને બંપર કમાણી
Next articleબેડ લોન રિઝોલ્યુશન માટે ટૂંકમાં ગાઇડલાઇન્સ જારી