અરૂણાચલપ્રદેશનાં જંગલોમાં ‘લાપતા’ ખિસકોલીની શોધખોળ ચાલી રહી છે. ૧૯૮૧માં અરૂણાચલપ્રદેશનાં એક અંતરિયાળ વિસ્તારમાં ખિસકોલીની એક પ્રજાતિનું એકમાત્ર સ્પેસિમેન જોવા મળ્યું હતું અને એ રીતે આ લાપતા ખિસકોલીના અસ્તિત્વનો પુરાવો મળ્યો હતો. ૩૮ વર્ષ પછી વાઈલ્ડલાઈફ વિજ્ઞાનીઓની ટીમે સમર્પિત અભિયાન શરૂ કર્યુ છે અને તેમાં ‘લાપતા’ એવી ઉડતી ખિસકોલી ‘નામડાફા’ની શોધખોળ કરી રહ્યા છે.
૧૯૮૧માં ઉનાળાની એક સાંજે પ્રથમવાર ઉડતી ખિસકોલી ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ઝેડએસઆઈ)ની ટીમે ફ્રેગરન્ટ નેહોરના વૃક્ષ પર જોઈ હતી. ઝેડએસઆઈ દ્વારા પ્રકાશિત પેપરમાં આ ખિસકોલી જોવા મળી હતી તેના વિશે વર્ણન કરવામાં આવ્યું હતું. વાઈલ્ડલાઈફ સાયન્ટીસ્ટની ટીમમાં સામેલ ડો. સુભેન્દુ સેહકર સાહાએ કહ્યું હતું,‘ભવ્યતમ ફર સાથે સુંદર રંગો સાથેનું પ્રાણી.’ પરિક્ષણ દરમિયાન વિજ્ઞાનીઓને લાગ્યું હતું કે સ્પેસિમેન (ખિસકોલી) ખૂબ અનોખું હતું. એક ઊડતી ખિસકોલી કે જે ન વર્ણવાયેલ પ્રજાતિમાં સામેલ છે. ઉડતી ખિસકોલીની આ પ્રજાતિને નામડાફા ફ્લાઈંગ સ્કિવરલ નામ તે જ્યાંથી મળી આવી એ સ્થળ પરથી અપાયું છે, જે સ્થળ અરૂણાચલપ્રદેશનાં જંગલોમાં નોઆ ડિહિંગ નદીનાં કાંઠે રહેલા મેસુઆ ફેરા જંગલોમાં આવેલું છે. આ વિસ્તાર નામડાફા નેશનલ પાર્કમાં સામેલ છે જે ભારતનો ત્રીજો સૌથી વિશાળ નેશનલ પાર્ક છે. આ વિશિષ્ટ ખિસકોલીને જેનરિક નામ આપવા માટે ડો. સાહાએ તેને બિસ્વામોયોપ્ટેરસ બિવાસી નામ આપવાનું નક્કી કર્યું. આ નામ તેમણે વાસ્તવમાં ઝેએસઆઈના પૂર્વ જોઈન્ટ ડિરેક્ટર ડો. બિસ્વામોય બિસ્વાસના નામ પરથી આપ્યું છે.