ગાંધીનગર ક રોડ પર આવેલી વાવોલ ગામ ખાતે ડિફેન્સ કોલોનીમાં ઘરફોડની ઘટના બની છે. અહીં રહેતો પરિવાર મરણ પ્રસંગે વતન રાજસ્થાન ગયો હતો. ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને તસ્કરો ત્રાટક્યા હતા. જેઓ ઘરના કબાટ-તીજોરીમાં પડેલાં રોકડા પૈસા અને દાગીના મળી કુલ ૧.૪૪ લાખની મત્તા લઈને છૂ થઈ ગયા હતા.
મૂળ રાજસ્થાનના ડીંડવાણાના શિવપ્રસાદ જાગીડ (સુથાર) વાવોલ ગામ પાસે આવેલી ડિફેન્સ કોલોનીમાં રહી છે. સુથારી કામ કરતાં જાગીડ પરિવારની દુકાન ઘરની સામેની બાજુમાં જ આવેલી છે. વતનમાં મરણ પ્રસંગ હોવાથી શિવપ્રસાદ પત્ની અને પુત્રવધુ સાથે ૩૦ મેના રોજ રાજસ્થાન ગયા હતા. તો તેમનો પુત્ર સુનિલ ૨૨ મેથી સુરત ખાતે કામથી રોકાયો હતો.
ઘરની સામે જ આવેલી દુકાનમાં કામ કરતાં તેમના કારીગરે ઘરનો દરવાજો ખુલ્લો જોતા તપાસ કરતાં નકુતો તુટેલી હાલતમાં હતો. જેને પગલે ૪ જૂન સવારે ૬ વાગ્યે જ તેણે માલીકને આ અંગે જાણ કરતાં સુનિલ જાગડ જાણ કરી હતી. જેને પગલે સુરતથી કામ પતાવીને રાત્રે આવેલા સુનિલે જોયું તો ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘરફોડ ચોરીઓને નાબૂદ કરવા માટે લાંબા સમય માટે મકાન બંધ કરી બહારગામ જવાનું થાય તો તેની જાણ પોલીસને કરવી જોઈએ. જેથી પોલીસ પેટ્રોલિંગ સમયે આપના મકાન ઉપર વિશેષ ધ્યાન આપી શકે. ત્યારે વેકેશનના સમયગાળામાં છેલ્લા બે મહિના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ૩૩ લોકોએ ઘર બંધ હોવાની જાણ કરી હતી. જ્યારે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં માત્ર એક જ અરજી મળી છે.
પરિવારે તીજોરી કે કબાટના લોક માર્યું ન હતું જેને પગલે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને પ્રવેશેલા તસ્કરોને ઘરમાં ચોરી માટે સામાન ફેંદવા સિવાય કોઈ મહેનત કરવી પડી ન પડી હોવાનું મનાય છે. આમ, તસ્કરોને ચોરી કરવામાં સરળતા રહી હોવાનો અંદાજ સેવાય છે.
શહેરમાં છેલ્લા બે મહિનામાં ૪ જેટલી ઘરફોડ નોંધાઈ છે. જેમાં ૫ એપ્રિલે સેક્ટર-૨૭માં, ૧૨ એપ્રિલે સેક્ટર-૭-એ ખાતે પરિવાર બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જ્યારે સેક્ટર-૪-સીમાં ૮ મેના રોજ પરિવાર ધાબા પર સુતો હતો ત્યારે ચોરીની ઘટના બની હતી.
પોતાના ઘરની સુરક્ષા માટે તમારે માત્ર એક અરજી કરવાની રહે છે. જેમાં પોતાના ઘરનું એડ્રેસ અને તે ક્યાં સુધી બંધ રહેશે તેની વિગતો સાથે પોલીસને સુરક્ષા માટે માત્ર એક અરજી કરવાની રહે છે. જેને પગલે પોલીસ આવી અરજીઓના આધારે ઘર નંબર સાથે જ પેટ્રોલિંગમાં રહેલાં સ્ટાફને જાણ કરી દે છે. જ્યારે એક જ વિસ્તારમાં એક કરતાં વધુ ઘર હોય તો ત્યાં હોમગાર્ડનો પોઈન્ટ જ મુકી દે છે. જે બે-ત્રણ ઘરોની વારાફરતી તપાસ કરે છે.
સુનિલે ઘરમાં તપાસ કરતાં લાકડાના કબાટ અને તિજોરીના ખાનામાંથી ૪૭ હજાર રોકડા, ૫૦ હજારની કિંમતનું સોનાનું મંગળસુત્ર, ૩ વીંટી, ૨ લોકેટ , ત્રણ દોરા, ચાંદીની પાયલ, કંદોરો મળી કુલ ૧,૪૪,૫૦૦ની મત્તા ગુમ હતી. જેને પગલે સુનિલ શિવપ્રસાદ જાગીડની ફરિયાદના આધારે સેક્ટર-૭ પોલીસે ચોરી અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરમાં થોડા સમયના વિરામ બાદ ફરી તસ્કરો સક્રીય બન્યા હોય તેમ વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જે મકાનો બંધ હોય તેને નિશાન બનાવી તેમની વિદ્યા અજમાવી રહ્યા છે. ત્યારે હવે શહેર પોલીસે ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા પેટ્રોલિંગ ગોઠવી આવી ઘટનાઓ પર અંકુશ લાવવો જોઈએ.