સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશન કાર્યરત છે. ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશનની રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડીથી રચના કરવામાં આવી હતી.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્થાન માટે કાર્યરત આ નિગમ દ્વારા સહકારી ભાગ્યલક્ષ્મી બેંકમાં ફિક્સ ડિપોઝીટ કરવામાં આવેલી રૂ.૬૯.૮૭ લાખની રકમ બેંક ફડચામાં જતાં ફસાઈ જવા પામી હતી. જે રકમ સરકાર અને વિભાગ તથા નિગમ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત પ્રયાસથી પરત લાવવામાં સફળતા મળી છે.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે આપેલી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર તરફથી વર્ષ-૧૯૯૬માં સહકારી ભાગ્યલક્ષ્મી બેંકમાં રૂ.૬૯,૮૭,૨૧૩/- ની રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવામાં આવી હતી. ત્યારબાદ આ બેંક ફડચામાં જતાં રાજ્ય સરકાર તરફથી બેંકના વહીવટી સરળતા ખાતર ફડચા અધિકારી ઉર્વશી બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવી હતી. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના હાલના મેનેજિંગ ડિરેક્ટર જી.સી. અલગોતરના ધ્યાને આવતા ફસાયેલી આ રકમ પરત મેળવવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સઘન પ્રયત્ન શરુ કર્યા હતા.
બેંકના ફડચા અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર બંનેનાં સંકલન અને સક્રિય પ્રયાસોથી આ ફસાયેલી રકમ તા.૩૧ મે ૨૦૧૯ ના રોજ રાજ્ય સરકારના રજીસ્ટ્રાર નલીન ઉપાધ્યાયના હસ્તક ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમને પરત મળી છે.