વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સીડ બોમ્બ દ્વારા ગ્રીન કવર વધારવાની વિશિષ્ટ પહેલ

554

મધુભાન રિસોર્ટ એન્ડ સ્પા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરવા તથા જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીમતી તરુણા પટેલ ના માર્ગદર્શન હેઠળ વંચિત મહિલાઓના સમૂહને સીડ બોમ્બ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ સીડ બોમ્બ માટી અને ખાતરના મિશ્રણ સાથે બીજ ધરાવે છે, જેને વેરાન જમીન અથવા વ્યક્તિના ઘરની આસપાસ ફેંકી શકાય છે. મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા સીડ બોમ્બને ‘મિક્સ, મેક એન્ડ થ્રો, ટુ ગ્રો’ બેનર હેઠળ આસપાસના વિસ્તારની શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યાં હતાં, જેથી ગુજરાતમાં ચોમાસા પહેલાં તેનો યોગ્ય ઉપયોગ કરીને નવા વૃક્ષો ઉગાડવામાં મદદ મળી રહે.

એલિકોન લેડિઝ ફોરમ એ એલિકોન ગ્રુપ ઓફ કંપનિઝના સહયોગથી સીડ-બોમ્બ બનાવવાનું મશીન ડિઝાઇન કર્યું છે, જે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં સીડ બોમ્બનું ઉત્પાદન કરી શકે. શ્રીમતી તરુણા પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ઇએલએફએ ૧ કરોડ સીડ બોમ્બ બનાવીને તેનું વિતરણ કરવાનો નિર્ધાર કર્યો છે. ઇએલએફની સીએસઆર પહેલ ‘એમ્પાવરિંગ વુમન એન્ડ ઇન્સપાયરિંગ ચિલ્ડ્રન’ને શ્રીમતી તરુણા પટેલે લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રીમતી પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણની સુરક્ષાના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે વૃક્ષો આધુનિકિકરણનના સૌથી વધુ ભોગ બન્યાં છે. અમે દર વર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ, જેથી પર્યાવરણમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તથા સમાજને એક ઉદાહરણ આપી શકીએ. ગ્રીન કવરમાં સતત ઘટાડાનું ઉત્તમ સોલ્યુશન સીડ બોમ્બ છે. આ પહેલથી આપણા બાળકોને પણ પર્યાવરણની સુરક્ષા અને કાળજી લેવા માટે પ્રોત્સાહિત કરી શકાશે તથા પર્યાવરણની મહત્વતા વિશે તેમનામાં સમજણ કેળવી શકાશે.

Previous articleઅમદાવાદ હવેલીમાં કેરીનો મનોરથ
Next articleતબીબની ઘોર બેદરકારી… લીવરની બીમારીથી પીડિત મહિલાનાં હાથનું ઓપરેશન કરી નાખ્યું