ગાંધીનગરમાં બાઇક, રીક્ષા, કાર્સથી માંડીને આઇશર જેવા લોડીંગ વાહનો પણ ચોરાઇ રહ્યા છે. ત્યારે હવે ખુલ્લામાં પાર્ક કારને પથ્થરથી જેક કરીને એલોય સાથેનાં વ્હીલ કાઢી જતી ટોળકી સક્રીય થઇ છે. સેકટર ૨૮માં ઘરની બહાર કોમન પ્લોટમાં પાર્ક એસેન્ટ કારનાં વ્હીલ્સ ચોરાઇ જવાની ઘટના ગુરૂવારે સામે આવ્યા બાદ સેકટર ૬માંથી પણ ટેરોન કારનાં વ્હીલ કાઢી જવાનો બનાવ સામે આવતા વાહન માલીકોમાં ફફડાટ ફેલઇ ગયો છે. આ ટોળકી વધુ વાહનોને નિશાન બનાવે તે પહેલા ઝડપી લેવા પોલીસ દ્વારા ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
સેકટર ૨૮નાં સ્વીટ હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞેશભાઇ દિનેશભાઇ પટેલ દ્વારા આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જીજ્ઞેશભાઇની ફરીયાદ પ્રમાણે બુધવારે સાંજે તેમની એસેન્ટ કાર નં જીજે ૧૮ બીજી ૮૪૬૬ કોમન પ્લોટમાં પાર્ક કરીને ઘરે ચાલ્યા ગયા હતા. ગુરૂવારે સવારે ૭.૩૦ વાગ્યે કાર તરફ જોતા ટાયર ગાયબ હતા અને કાર તો તેટલી જ ઉચી હતી! કાર પાસે જઇને તપાસ કરતા ચારેય વ્હીલ ચોરાઇ ગયા હતા અને તેની જગ્યાએ ફુટપાથમાં વપરાતા પેવર બ્લોકને જેકની જેમ ગોઠવી દીધા હતા. સેકટર ૨૧ પોલીસે ફરીયાદનાં આધારે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
જયારે શુક્રવારની રાત્રે સેકટર ૬માં વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. સેકટર ૭થી પ્રાપ્ત વિગતોનુંસાર સેકટર ૬બીમાં પ્લોટ નં ૧૯૩/૨ ખાતે રહેતા અંકિત કનુભાઇ પટેલે ૨૬મીની સાંજે ઘર સામે રોજનાં ક્રમાનુંસાર પોતાની ટરેનો કાર પાર્ક કરી હતી. ૨૭મીએ સવારે જાગ્યા ત્યારે કારનાં વ્હીલ જોવા ન મળતા તપાસ કરતા પેવર બ્લોક લગાવીને વ્હીલ કાઢી ગયાની ખબર પડી હતી. અંકિતભાઇએ રૂ. ૬૦ હજારનાં ટાયર ચોરાઇ જવાની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એસ ડી કાળાતે આ દિશામાં તપાસ હાથ ધરી છે. શહેરમાં વાહન ચોરીનાં વધતા બનાવો વચ્ચે લગલગાટ નજીકનાં દિવસોમાં બે બનાવને લઇને ચોક્કચ ગેંગ સક્રિય થઇ હોવાનું મનાઇ રહ્યુ છે.