પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ વર્ષ ૨૦૨૧માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. આ ચૂંટણીના ભાગરૂપે મમતાએ ગુરૂવારે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. પ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે કામ કરવા માટે તૈયાર થઈ ગયા હોવાના અહેવાલ છે. કોલકાત્તામાં યોજાયેલી બે કલાક લાંબી મીટિંગમાં મમતા અને પ્રશાંત કિશોર વચ્ચે ચૂંટણી મુદ્દે સહમતી સધાઈ છે. પ્રશાંત મમતા માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશમાં સમાપ્ત થયેલી ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસના વડા જગનમોહન રેડ્ડી માટે રણનીતિ બનાવી હતી. અગાઉ પ્રશાંત કિશોરે જેડીયુ માટે અને નીતિશ કુમાર માટે પણ રણનીતિ ઘડી તેમની સરકાર બનાવવામાં મદદ કરી હતી. પ્રશાંત કિશોર વડાપ્રધાન મોદીના પણ સલાહકાર રહી ચુક્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રશાંત કિશોર તેમના સલાહકાર રહી ચુક્યા છે.
જોકે, પ્રશાંત કિશોરના ભાગે ફક્ત સફળતાઓ જ નથી લખાઈ. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ માટે રણનીતિ બનાવી હતી પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. પ્રશાંત કિશોર હાલમાં જનતા દળ યુનાઇટેડના નેતા પણ છે.
અમારી પરવાનગી વગર શક્ય નથી : જેડીયુ
જનતા દળ યૂનાઇટેડના પ્રવક્તા અજય આલોકે આ મુદ્દે કહ્યું હતું કે પ્રશાંત કિશોર પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે અને આ સ્થિતીમાં પાર્ટીની પરવાનગી વગર કે પછી મુખ્યમંત્રી અને પ્રમુખ નીતિશ કુારની પરવાનગી વગર પ્રશાંત મમતા સાથે કામ કરી શકે નહીં. વ્યક્તિગત રીતે તેઓ ઇચ્છે તેમની સાથે કામ કરી શકે છે પરંતુ જેડીયુના પદ પર રહેતા તે મમતા સાથે કામ કરી શકે નહીં. હાલમાં પાર્ટીને પ્રશાંત કિશોરના નિર્ણય વિશે માહિતી નથી.