વિદેશમંત્રાલય દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, એસસીઓની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન એકબીજાને મળશે નહીં. તેમના મળવા માટેનો કોઇપણ કાર્યક્રમ નથી. હકીકતમાં પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહેમુદના ભારત પ્રવાસ બાદ અટકળોનો દોર શરૂ થયો હતો. એવી અટકળો ચાલી રહી હતી કે, એસસીઓની બેઠકમાં બંને દેશોના વડાપ્રધાન મળી શકે છે પરંતુ વિદેશ મંત્રાલય દ્વારા આ અંગેના અહેવાલોને હવે રદિયો આપી દીધો છે. આ મહિને ૧૩ અને ૧૪મી જૂનના દિવસે કિર્ગીસ્તાનના પાટનગર બિશ્કેકમાં શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ)ની બેઠક થવા જઈ રહી છે જેમાં મોદી ભાગ લેશે. આ પહેલા મોદી પોતાની બીજી અવધિમાં પ્રથમ વિદેશ યાત્રાને લઇને ૮મી અને ૯મી જૂનના દિવસે શ્રીલંકા અને માલદિવ જશે. બિશ્કેકમાં મોદી અને ઇમરાન વચ્ચે બેઠકને લઇને કોઇ કાર્યક્રમ નથી. પાકિસ્તાનના વિદેશ સચિવના ભારત પ્રવાસ અંગે તેમણે કહ્યું હતું કે, આ વ્યક્તિગત પ્રવાસ હતો. તેમની સાથે કોઇ બેઠક થઇ નથી.
પાકિસ્તાની વિદેશ સચિવ સોહેલ મહેમુદ બુધવારના દિવસે દિલ્હીની જામા મસ્જિદમાં નમાઝ અદા કરતા નજરે પડ્યા હતા. તેઓએ પોતે પણ આ યાત્રાને ખાનગી ગણાવી ચુક્યા છે. રવિશ કુમારે કરતારપુર કોરિડોરના સંદર્ભમાં વાત કરતા કહ્યું હતું કે, ભારત આને બનાવવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક કમિટિમાં પાકિસ્તાન દ્વારા વિવાદાસ્પદ તત્વોની નિમણૂંકના રિપોર્ટ ઉપર સ્પષ્ટીકરણની માંગ કરી છે. આ ઉપરાંત અગાઉની બેઠકમાં પાકિસ્તાનની પાસેથી કેટલાક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી હતી. પાકિસ્તાને કોરિડોરનું કામ જોવા માટે જે કમિટિ બનાવી હતી તેમાં અનેક ખાલિસ્તાની અલગતાવાદીઓને સામેલ કર્યા હતા. રવિશકુમારે કહ્યું હતું કે, ઇરાનની સાથે તેલ આયાતના સંદર્ભમાં વ્યાપક વિચારણા ચાલી રહી છે. જે પણ નિર્ણય લેવામાં આવશે તે ઉર્જા જરૂરિયાતો અને સુરક્ષા તેમજ રાષ્ટ્રીય હિતોના આધારે લેવામાં આવશે. વિદેશમંત્રી એસ જયશંકર ૭મી અને ૮મી જૂનના દિવસે ભૂટાન જનાર છે. પડોશી પ્રથમની નીતિને પ્રાથમિકતા આપવાની તૈયારી કરવામાં આવી છે. આજ કારણસર આ વખતે પડોશી દેશોને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઇ હતી.