જુદી જુદી સંસ્થાઓ, કેટલીક સ્કુલો અને સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ અને તીવ્ર દબાણ લવાયા બાદ આખરે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ માધ્યમિક શિક્ષણ બોર્ડની સમિતિ દ્વારા વેકેશન રદ કરવામાં આવ્યું હતું. જો કે, પાછળથી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, વેકેશન રદ નહી થાય અને નવરાત્રિ વેકેશન યથાવત્ રહેશે અને હવે ફરી પાછુ એકવાર રાજય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશન રદ કરવામાં આવ્યું છે. આમ, સમિતિ અને સરકાર વચ્ચે સંકલનનો તો સદંતર અભાવ જોવા મળ્યો જ છે પરંતુ બીજીબાજુ, શિક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દા અને વિદ્યાર્થી અને વાલીઓના હિત સાથે ચેડાં કરવા જાણે રાજય સરકાર માટે મજાક સમાન છે એવો ઉગ્ર આક્રોશ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયો છે. સમાજના સભ્ય અને જાગૃત નાગરિકોએ વારેઘડીયે આ પ્રકારે નિર્ણય બદલવાના તાયફા કરવાના સરકારના વલણને આકરા શબ્દોમાં વખોડી કાઢી તેની ભારોભાર નિંદા કરી હતી. એક રીતે જોવા જઇએ તો, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયા છે. ગુજરાતની શાળાઓમાં નવરાત્રિ વેકેશન મામલે ગત વર્ષની માફક આ વર્ષે પણ વિવાદ થયો છે. હવે આજે ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરીને નવરાત્રિ વેકેશનને લઈ આઠ દિવસની રજાઓ જાહેર કરી હતી. તો બીજી બાજુ શિક્ષણમંત્રીએ માત્ર એક કલાકમાં જ આ નિર્ણયને રદ કરતા નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હતી. આમ શિક્ષણમંત્રી ફરીવાર કેટલાક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ આવી કેબિનેટની બેઠકમાં નવરાત્રિ વેકેશન રદ કરવાની જાહેરાત કરી હોવાની ચર્ચા ઉઠવા પામી છે.
હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિના મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા બે વર્ષથી વિવાદમાં આવે છે, ગત વર્ષે પણ નવરાત્રિ વેકેશન જાહેર કર્યાં બાદ કેટલીક લઘુમતી અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ ગયા વર્ષે નવરાત્રિનું વેકેશન જાહેર કર્યા બાદ રદ કરી દીધું હતું. તે જ પ્રમાણે ચાલુ વર્ષે પણ કેટલાંક ચોક્કસ શાળા સંચાલકોના દબાણ હેઠળ શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશન રદ કરી દીધું છે, જેની સામે વાલી-વિદ્યાર્થીઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે, આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવવાનું નથી અને નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં જ નવરાત્રિ વેકેશનને જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને વાલીમંડળ અને અન્યોની રજૂઆતને ફગાવી દેવામાં આવી હતી. આને લઇને જુદી જુદી સંસ્થાઓ તરફથી પ્રતિક્રિયાઓ આપવામાંઆવી હતી. જોકે, નવરાત્રિ વેકેશન નહીં રાખવાના નિર્ણયને લઇને નવરાત્રિ ખેલૈયાઓને ફટકો પડ્યો છે અને નવરાત્રિમાં સ્કુલો ચાલુ રહેવાથી વાલીઓ ઉપર પણ કેટલાક અંશે દબાણ રહેશે.