લાંબું જીવવું છે? સ્માર્ટ ફોન બાજુ પર મૂકો!

819

વધુ સમય મોબાઈલના સ્ક્રીનમાં ઘૂસી રહેવાથી સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે, જેની સીધી અસર હાર્ટ રેટ પર થાય છે, બ્લડસુગરમાં વધારો થાય છે અને હાઈ બીપી પણ થાય છે!

તમે બીજા લોકો જેવા જ છો? તમે આ સવાલનો જવાબ ‘ના’માં આપશો! અહીં તમે બીજાઓ જેવા જ હોવાના, કારણ કે લગભગ લોકો એમ જ કહે છે કે, ‘હું બીજાઓ જેવો નથી’ કે ‘જેવી નથી’. બધા જ પોતાને અન્યોથી અલગ જ માને છે. વાત પણ ખોટી નથી, કારણ કે દરેક જણ બીજા જેવો હોવાની સાથે એ સરખાપણામાં પણ અલગ હોવાનો! ઘણા બધા પોતાના મોબાઈલ કે લૅપટૉપના, ખાસ કરીને મોબાઈલ-સ્માર્ટ ફોનના વપરાશને ઓછો સમય જ આપવો છે એવું નક્કી કરે છે. (એ નક્કી કરવામાં બધા સરખા જ છે.) એ નિર્ધારનું શું થાય છે એનો જવાબ શોધવા દૂર જવાની જરૂર નથી, પોતાની જાતનું નિરીક્ષણ કરી લેવું, પરંતુ જો તમે બીજા કેટલાકની જેમ સ્ક્રીનમાં લાંબો સમય ઘૂસી જઈને ગરદન દર્દ પ્રાપ્ત કરવાના નિર્ણયની વિરુદ્ધ ઓછામાં ઓછો સમય સ્ક્રીન પર રહેવાનો નિર્ણય કર્યો હોય તો એ અતિશય ઉત્તમ નિર્ણય છે.

જતાં પુરાવા સૂચવે છે કે, આપણે જેટલો સમય આપણા સ્માર્ટફોન સાથે વીતાવીએ છીએ એનાથી આપણી ઊંઘ, આત્મ-સન્માન, સંબંધો, સ્મરણશક્તિ, ધ્યાન આપવાની ક્ષમતા, સર્જનાત્મકતા, ઉત્પાદન ક્ષમતા તથા સમસ્યાનો નિવેડો લાવવાની ક્ષમતા અને નિર્ણય કરવાના કસબમાં બેહિસાબ હસ્તક્ષેપ કરે છે. આ અંગે સંશોધન કરનારાઓ દ્વારા મેળવાતા અને સતત વધતા જતા પુરાવાઓમાંથી ફલિત થયું છે.

પરંતુ, આપણા ઉપકરણ સાથેના આપણા સંબંધ વિશે ફેરવિચારણા કરવી પડે એ માટે અન્ય કેટલાંક કારણો પણ છે. કાળક્રમે શરીરના મુખ્ય તાણ-તણાવ-સ્ટ્રેસના હોર્મોન કોર્ટિઝોલના સ્તરને ખાસ્સું વધારી મુકીને આપણો ફોન આપણા આરોગ્યને માટે જોખમ બને છે અને આપણી આવરદાને ટૂંકાવે છે. અત્યાર સુધી તો ફોનની બાયોકેમિકલ અસર વિશે સૌથી વધારે ચર્ચા ડોપામાઈન પર કેન્દ્રિત થઈ છે. ડોપામાઈન એવું બ્રેન કેમિકલ છે જે આપણને આપણી આદતો હેવાયા અને વ્યસની બનવામાં મદદ કરે છે. સ્લોટ મશીનોની જેમ જ સ્માર્ટ ફોનો અને એપ્સ દેખીતી રીતે જ, ઈરાદાપૂર્વક મગજમાં ડોપામાઈનનું વધુ ઉત્પાદન કરવામાં સફળ રહે એ રીતે જ ડિઝાઈન કરવામાં આવ્યા છે જેથી આપણે ફોન બાજુએ મૂકવા તૈયાર ન થઈએ! આપણી ડોપામાઈન સિસ્ટમમાં આવી હેરાફેરી કે આ પ્રકારે થતા હસ્તક્ષેપને પગલે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આપણે આ રીતે વર્તનમાં આપણા ફોન પ્રત્યે વ્યવહારનું એક વ્યસન વિકસાવીએ છીએ… પણ આપણો ફોન કોર્ટિઝોલને ભારે અસર કરે છે જે આપણે માટે ખતરાની ઘંટી સમાન છે.

કોર્ટિઝોલ એ જોખમી અવસ્થામાં કે પરિસ્થિતિમાં સાહજિક શારીરિક પ્રતિક્રિયા સર્જનારું આપણું પ્રાથમિક હોર્મોન છે. એ પેદા થઈને કાર્યરત થાય તો કે એની રિલીઝ બ્લડપ્રેશર, હાર્ટ રેટ અને બ્લડસુગરમાં વધારો થવા જેવા શારીરિક ફેરફાર કરે છે. તમે જો જોખમી પરિસ્થિતિમાં હો તો આ અસર કે પ્રભાવ જીવન બચાવનાર બને છે, દાખલા તરીકે તમારી પાછળ કૂતરું પડ્‌યું હોય કે ઉશ્કેરાયેલો બળદ દોડતો હોય ત્યારે તે તમને પલાયન કરી જવાની વૃત્તિ આપશે, પણ તાણ કે તણાવની સ્થિતિમાં પણ આપણું શરીર કોર્ટિઝોલ રિલીઝ કરે છે, જે તમારા બૉસનો ગુસ્સાભર્યો ઈ-મેલ ફોન પર શોધતાં કે જોતાં પેદા થાય છે અને આ તબક્કે તમારા હૃદયના વધી ગયેલા ધબકારા માટે એ વધેલું કોર્ટિઝોલ સારું કશું જ કરતું નથી!

સામાન્ય અમેરિકન દિવસના સરેરાશ ચાર કલાક એના સ્માર્ટ ફોનમાં ઘુસેલો રહે છે અને આખો દિવસ અને રાતના પણ એનો ફોન ચપટી વગાડતામાં હાથવગો થઈ શકે એટલો નજીક રાખે છે. એક અભ્યાસ મુજબ સામાન્ય ભારતીય પણ દિવસના સાડાત્રણથી ચાર કલાક એનાં સ્માર્ટ ફોનમાં વ્યસ્ત રહે છે. મુંબઈ જેવા શહેરમાં બોરીવલીથી ચર્ચગેટ કે થાણેથી સીએસટી સુધી રોજ જ અપ-ડાઉન કરનારા મુંબઈવાસીને દિવસના એ બે વખત કલાક-કલાક તો નક્કી જ મોબાઈલ ફોનમાં જ ઘુસેલો જોવો એ દરેક મુંબઈવાસીનો રોજિંદો અનુભવ છે.

યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટ સ્કૂલ ઑફ મેડિસિનના ક્લિનિકલ સાઈક્યાટ્રિના પ્રોફેસર ડેવિડ ગ્રીનફિલ્ડ કહે છે કે, “તમારો ફોન તમારી નજરે પડે કે નજીકમાં હોય અથવા તમે એની રિંગ સાંભળો છો અથવા તમને એવું લાગે કે ફોનની રિંગ વાગી છે તો પણ તમારું કોર્ટિઝોલનું સ્તર વધી જાય છે. જોકે એમ થતાં આરંભે પળવાર તમને શાંતિનો અનુભવ થાય, પણ લાંબા ગાળે એ મામલો બગાડી શકે છે અથવા

બગાડી જ નાખે છે. ગમે તે સમયે તમે તમારો ફોન ચેક કરો છો ત્યારે તમે જોશો કે કશું ને કશું સ્ટ્રેસ આપનારું, તાણ ઊભી કરનારું તમારી રાહ જોઈ રહ્યું છે એટલે કે તમને કશું એવું મળી જ જશે જે તમારા કોર્ટિઝોલના સ્તરમાં ફરી વધારો લાવવાનું કારણ બને અને એ જ બાબત તમને થોડી વાર પછી ફરી વાર ફોન ચેક કરવાની તીવ્ર લાલસા આપે! તમારી હતાશા-તણાવ દૂર થઈ જવા જેવું કશું મેળવવાની અપેક્ષામાં તમે ફરી ફોન જોવાની વૃત્તિ રોકી શકતા નથી. આ ચક્ર વારંવાર દોહરાવાતું હોય તો તેનાથી વધી ગયેલા કોર્ટિઝોલનું સ્તર કાયમી, ક્રોનિક-હઠીલું, જૂનું દર્દ બની જાય છે.

આ રીતે હઠીલું થઈ ગયેલું કે જૂનું થઈ ગયેલું કોર્ટિઝોલનું વધી ગયેલું સ્તર આરોગ્યની ગંભીર સમસ્યા પેદા કરવા સાથે સંકળાયેલું છે એ વાત તો આપણે અગાઉ કરી જ છે. આને કારણે થતી આરોગ્યની ગંભીર સમસ્યાઓમાં હતાશા-ડિપ્રેશન, સ્થૂળતા, પાચનશક્તિની તકલીફો, ટાઈપ-ટુ ડાયાબિટીસ, પ્રજનનક્ષમતાની મુશ્કેલીઓ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ અટેક, ગાંડપણ કે ચિત્તભ્રંશ અને લકવા-સ્ટ્રોકનો સમાવેશ થાય છે.

આપણે એવી પ્રજા છીએ જે ગંભીરતાનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી એ ગંભીરતાના ભયાનક જોખમને સમજી શકતા નથી. રડતાં બચ્ચાંને મોબાઈલ ફોન પકડાવી દેવાથી એના કકળાટથી છુટકારો મળે છે એ આપણને સમજાય છે, પણ ગંભીરતા જાણી શકતા નથી. આવરદાની દોરી લાંબી કરવી હોય તો અથવા કહોને કે આરોગ્યદાયક જીવન જીવવું હોય તો મોબાઈલ ફોનને થોડો સમય બાજુ પર મુકવો આવશ્યક છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, “આપણે સ્માર્ટ ફોન્સ અને સ્ટુપિડ લોકોના સમયમાં જીવીએ છીએ.

Previous articleગુજરાતમાં નવરાત્રિનું વેકેશન રદ કરાયું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે